તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 11th September 2026
જન્મ-મરણના દાખલામાં ૧૦ હજાર અરજીઓ પેન્ડીંગઃ જનરલ બોર્ડમાં ગુંજશે સવાલ
કોંગ્રેસના દીપ્તિબેન સોલંકીએ જન્મ-મરણ શાખામાં હાલ કયા પોર્ટલ પર કામગીરી, અરજીઓ કેટલા સમયથી પેન્ડિંગ અને વિલંબનું કારણ શું?: વર્ગ-૧ની ભરતી-પ્રમોશનથી લઈ ગેરકાયદે બાંધકામ-ડિમોલિશન સુધીની વિગતો પણ માંગી

રાજકોટ તા.૧૧: મહાનગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં ૧૦ હજારથી વધુ અરજીઓનું બેકલોગ સર્જાયું હોવાનો મુદ્દો હવે આગામી જનરલ બોર્ડમાં ગુંજશે. કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ જન્મ-મરણના દાખલા મેળવવામાં અરજદારોને પડતી હાલાકીથી લઈને મહેકમ અને ગેરકાયદે બાંધકામ સુધીના મુદ્દાઓ અંગે સવાલો રજૂ કર્યા છે.
દીપ્તિબેન સોલંકીએ જન્મ-મરણ શાખામાં હાલમાં કયા પોર્ટલ ઉપર કામગીરી કરવામાં આવે છે, અગાઉ કયા પોર્ટલનો ઉપયોગ થતો હતો, હાલ જન્મ કે મળત્યુ નોંધાવવા માટેની પ્રક્રિયા શું છે, કેટલી અરજીઓ પેન્ડિંગ છે, કેટલા સમયથી પેન્ડિંગ છે અને બેકલોગ સર્જાવાનું ચોક્કસ કારણ શું છે તે સહિતની વિગતો માગી છે.
મનપાની જન્મ-મરણ શાખામાં અગાઉ અરજદારોની લાંબી લાઇનો લાગતી હતી. તે સમસ્યાના નિવારણ માટે ટોકન સિસ્ટમ અમલી બનાવાયા બાદ લાઇનો તો ઘટી છે, પરંતુ બીજી તરફ વેઇટિંગ લિસ્ટ લંબાયું છે. હાલ ૧૦ હજારથી વધુ અરજીઓનો બેકલોગ હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં સ્વજનનો જન્મ કે મળત્યુ થયું હોય પરંતુ પરિવાર સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તેવા લોકોને પણ દાખલા મેળવવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે.
મનપા વર્તુળોના જણાવ્યા મુજબ અરજદારોની અરજી સ્વીકારી ટોકન આપવામાં આવે છે અને સામાન્ય રીતે ત્રણ દિવસથી એક સપ્તાહમાં દાખલો આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જોકે કેન્દ્ર સરકારના CRS પોર્ટલમાં ડેટા અપગ્રેડેશનની કામગીરી સમાંતર ચાલી રહી હોવાથી કામગીરીમાં વિલંબ સર્જાઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. દીપ્તિબેન સોલંકીએ મહાનગરપાલિકામાં વર્ગ-૧ના ટિ.પી. વિભાગના ત્રણ નવા અધિકારીઓની ભરતી કયારે કરવામાં આવી, તેમના નામ શું છે, તેમની નિમણૂક કાયમી ધોરણે થઈ છે કે પ્રમોશનના આધારે તે સહિતની વિગતો પણ માગી છે
(3:49 PM IST)










