News of Friday, 3rd July 2026
લોઠડામાં રિવર્સ આવેલી બોલેરોનું વ્હીલ ફરી જતાં ૧૦ માસના આર્યનનું મોત
મુળ મધ્યપ્રદેશના કલરકામના કારીગર યુવાને લાડકવાયો ગુમાવતાં મજૂર પરિવારમાં ગમગીનીઃ આજીડેમ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩: તાલુકાના લોઠડા ગામે ઘર પાસે રમી રહેલા દસ મહિનાના બાળકનું ઢાળ પરથી એકાએક રિવર્સમાં આવેલી બોલેરોની ઠોકરે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. મુળ મધ્યપ્રદેશના દંપતિએ લાડકવાયો ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ લોઠડા ગામમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના અનિલભાઇ મખોડીયાનો પુત્ર આર્યન (ઉ.૧૦ મહિના) ગઇકાલે ઘર આંગણામાં રમી રહ્યો હતો ત્યારે ત્યાં પાર્ક કરેલી બોલેરો ઢાળ પરથી એકાએક પાછળ આવી હતી. આ વખતે તેના વ્હીલ નીચે આ માસુમ બાળક આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક બાળક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પિતા અનિલભાઇ વર્ષોથી અહિ રહે છે અને કલર કામ કરી ગુજરાન ચલાવે છે.
(11:09 AM IST)










