<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકોને ઝોમેટોનો આંચકો: કેશ ઓન ડિલિવરી પર વસૂલાશે વધારાનો ચાર્જ

રોકડ ચૂકવણી કરનારાઓનું બિલ વધશે: પ્રતિ ઓર્ડર ₹૫ સુધીની 'પે ઓન ડિલિવરી ફી' ઉમેરાઈ: સ્વિગીમાં હજુ આવી કોઈ વસૂલાત નહીં

અમદાવાદ: જો તમે વારંવાર ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો અને ડિલિવરી વખતે રોકડમાં ચૂકવણી (COD) કરવાની ટેવ ધરાવો છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર બોજ વધારી શકે છે. જાણીતી ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ કેશ ઓન ડિલિવરી ઓર્ડર આપતા ગ્રાહકો માટે અલગથી 'પે ઓન ડિલિવરી ફી' વસૂલવાનું શરૂ કર્યું છે.

 ઝોમેટો પર ઓર્ડર કરતી વખતે હવે રોકડ ચુકવણી પસંદ કરનારા ગ્રાહકોના ફાઇનલ બિલમાં આ વધારાનો ચાર્જ ઉમેરાયેલો જોવા મળશે. માહિતી મુજબ, આ ફી દરેક યુઝર અને ઓર્ડરની કિંમત કે લોકેશન અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ ચાર્જ ₹૫ તરીકે દેખાઈ રહ્યો છે. નોંધનીય છે કે ઝોમેટો પર ગ્રાહકો પહેલેથી જ પ્લેટફોર્મ ફી, ડિલિવરી ચાર્જ, પેકેજિંગ ફી અને જીએસટી ચૂકવી રહ્યા છે, જેમાં હવે આ નવો ચાર્જ ઉમેરાતાં રોકડ પ્રેમીઓ માટે ફૂડ ઓર્ડર કરવું વધુ મોંઘુ બનશે.

 પ્રથમ નજરે ₹૫ નો આ વધારાનો ચાર્જ નજીવો લાગે છે, પરંતુ કંપનીને દરરોજ મળતા આશરે ૨.૩ થી ૨.૫ મિલિયન (૨૩ થી ૨૫ લાખ) ફૂડ ઓર્ડરના વિશાળ જથ્થાને જોતાં તે કંપની માટે કરોડો રૂપિયાની કમાણીનો નવો સ્ત્રોત બની શકે છે. જો ૨૫ ટકા ઓર્ડર પણ COD પર થતા હોય, તો ઝોમેટોના આ નિર્ણય સામે તેની મુખ્ય હરીફ કંપની સ્વિગી દ્વારા હાલમાં કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર પર આવી કોઈ જ અલગ ફી વસૂલવામાં આવી રહી નથી. ઝોમેટોના આ પગલા બાદ બંને ડિજિટલ પ્લેટફોર્મ વચ્ચેની સ્પર્ધા અને યુઝર બેઝ પર તેની શું અસર પડશે તે જોવું મહત્વનું રહેશે.

(6:48 PM IST)