તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
"અત્યાર સુધી શાંતિથી યોગદાન આપ્યું, હવે ખુલ્લેઆમ બહાર આવો..." કર નીતિઓ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું સનસનાટીભર્યું નિવેદન!
આંતરરાષ્ટ્રીય કરવેરા ક્ષેત્રના દિગ્ગજ સંગઠન ITRAF ને નાણામંત્રીની ખાસ સલાહ: ટેક્સ નીતિઓ અને જાહેર ચર્ચાઓમાં તમારી કુશળતા ખુલ્લેઆમ દેશ સામે રજૂ કરો

નવી દિલ્હી, તા.૧૬: દેશની ટેક્સ નીતિઓ અને આંતરરાષ્ટ્રીય કરવેરા પ્રણાલીમાં વધુ પારદર્શિતા અને ગુણવત્તા લાવવાના હેતુથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ઈન્ડિયન ટેક્સ રિસર્ચ એન્ડ એડવાઈઝરી ફાઉન્ડેશન (ITRAF) ને તેમના અત્યાર સુધીના શાંત અને પડદા પાછળના યોગદાનમાંથી બહાર આવીને નીતિ નિર્માણ પ્રક્રિયાઓ તેમજ જાહેર મંચો પર પોતાની કુશળતા ખુલ્લેઆમ દર્શાવવા અને સક્રિય ભાગીદારી નોંધાવવા મજબૂત અપીલ કરી છે.
કર્ણાટકના સિલિકોન સિટી બેંગલુરુ ખાતે આયોજિત ITRAF ના ૮મા આંતરરાષ્ટ્રીય કરવેરા પરિષદ (8th International Tax Conference) ને સંબોધિત કરતી વખતે નાણામંત્રીએ સંસ્થાના કાર્યની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કરવેરા અને જટિલ ટેક્સ નીતિઓ પર ITRAF ની ઉત્કૃષ્ટ ટિપ્પણીઓ માત્ર ઉદ્યોગ સાહસિકો કે ક્ષેત્રના નિષ્ણાતો સુધી સીમિત ન રહેતા દેશના નીતિ નિર્માતાઓ (Policy Makers) અને સામાન્ય જનતા સુધી પણ પહોંચવી અત્યંત જરૂરી છે.
નાણામંત્રીએ ITRAF ને આપી ખાસ સલાહ
પોતાના સંબોધનમાં નિર્મલા સીતારમણે અત્યંત સરળ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ITRAF માટે મારૂં પહેલું અને સૌથી મહત્વનું સૂચન બહુ સરળ છે. તમે અત્યાર સુધી પડદા પાછળ રહીને શાંતિથી મોટું યોગદાન આપ્યું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે ખુલ્લેઆમ આગળ આવીને દેશના વિકાસમાં ભાગીદાર બનો."
સામાન્ય લોકો સુધી પહોંચે ટેક્સની જટિલ સમજ
નાણામંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ITRAF દ્વારા રજૂ કરવામાં આવતી ટેક્સ વિશ્લેષણ સંબંધી બાબતો ઉચ્ચ કક્ષાની અને તથ્યોથી સભર હોય છે. અત્યાર સુધી તે માત્ર ક્ષેત્રના વ્યાવસાયિકો (Professionals) પૂરતી સીમિત રહેતી હતી. પરંતુ દેશના આર્થિક માળખાને વધુ મજબૂત કરવા માટે આ સંશોધનો જાહેર પ્રવચન (Public Discourse) અને સામાન્ય નાગરિકોના જ્ઞાનવર્ધન સુધી પહોંચવા જોઈએ જેથી ટેક્સ નીતિઓને વધુ લોકભોગ્ય અને વ્યવહારુ બનાવી શકાય.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
