<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

સ્વિગી પર નકલી રેસ્ટોરન્ટ બનાવીને લાખોની છેતરપિંડી કરનાર યુવક ઝડપાયો: વાયટી વીડિયો જોઈ રચ્યો ખતરનાક ખેલ

ગાઝિયાબાદમાં સાયબર ક્રાઈમ પોલીસે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકો સાથે ૩૦ લાખ રૂપિયાની ઠગાઈ આચરનાર ૨૧ વર્ષીય આરોપીની ઝડપાયો

ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી પર નકલી રેસ્ટોરન્ટ ઊભી કરીને ગ્રાહકો સાથે લાખો રૂપિયાની સાયબર છેતરપિંડી આચરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે ક્રેડિટ કાર્ડ ધારકોના ડેટા ચોરીને ઠગાઈ કરનાર ૨૧ વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જેણે ૫૨ જેટલા એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડની વિગતો મેળવીને આશરે ૩૦ લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ ગર્વિત તરીકે થઈ છે, જે મૂળ રોહતકનો રહેવાસી છે અને હાલ વૈશાલીમાં રહીને અગાઉ ટેક મહિન્દ્રામાં કસ્ટમર કેરમાં કામ કરતો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તેને યુટ્યુબ પર વીડિયો જોઈને આ સાયબર છેતરપિંડી કરવાની પદ્ધતિ સૂઝી હતી, ત્યારબાદ તેણે "શ્યામ કી રસોઈ", "રાધા કી રસોઈ" અને "ખાના ખઝાના" જેવા નામોથી નકલી રેસ્ટોરન્ટ રજીસ્ટર કરાવ્યા હતા અને ટેલિગ્રામ પર "FAST OTP BOT" ચેનલ દ્વારા ક્રેડિટ કાર્ડ ધારકોનો ડેટા મેળવ્યો હતો.

આરોપીની કામ કરવાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે Jio-Join એપ દ્વારા ગ્રાહકોને વાય-ફાઈ કોલ કરીને બેંક અધિકારી તરીકે ઓળખ આપતો અને સર્વિસ ચાર્જ કે મોડી ચુકવણી દૂર કરવાના નામે OTP મેળવીને પોતાના નકલી રેસ્ટોરન્ટના સ્વિગી ઓર્ડર માટે ચૂકવણી કરતો હતો. ત્યારબાદ તે ઓર્ડરની બનાવટી ડિલિવરી બતાવીને સ્વિગી પાસેથી રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લેતો હતો. ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ તેણે એક વ્યક્તિના ક્રેડિટ કાર્ડમાંથી ૩૮,૦૦૦ રૂપિયાનો ઓર્ડર જનરેટ કરીને ઠગાઈ કરી હતી.

આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી ચાર મોબાઇલ ફોન, એક ટેબ્લેટ, એક લેપટોપ તેમજ એફએસએસએઆઈ (FSSAI) ના નકલી દસ્તાવેજો અને ગૂગલ શીટ્સ જપ્ત કરી છે. પોલીસે ટેલિગ્રામ ચેનલ અને ક્યૂઆર કોડ્સના આધારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય સહઆરોપીઓની શોધખોળ શરૂ કરી છે, જેથી ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ્સની સુરક્ષા વધુ મજબૂત બનાવી શકાય.

(11:34 AM IST)