તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ઈટલીમાં જ્યોર્જિયા મેલોની સરકાર સામે યુવાઓનો જોરદાર વિરોધ: ‘જેન આલ્ફા’ પેઢીના દેખાવોમાં ₹૪,૪00 કરોડની મિલકતો ભસ્મીભૂત, ૨૦૦થી વધુની ધરપકડ
શિક્ષણ બજેટ ઘટાડીને સંરક્ષણ પાછળ અબજો રૂપિયા ખર્ચવાના વિરોધમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા; પીએમ મેલોનીએ હિંસાની આકરી ટીકા કરી

રોમ, : યુરોપિયન દેશ ઈટલીમાંથી એક અત્યંત સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ઈટલીની સરકારની શિક્ષણ નીતિઓ અને રક્ષા પાછળના માતબર ખર્ચ સામે વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. શનિવારે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન વ્યાપક સ્તરે આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી, જેમાં આશરે ₹૪,૪૦૦ કરોડ જેટલી જંગી જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હિંસક દેખાવોમાં મોટા ભાગે 'જેન આલ્ફા' (Gen Alpha) પેઢીના યુવાનો અને સગીર વિદ્યાર્થીઓ સામેલ હોવાનું જણાઈ આવ્યું છે, જેણે સરકારની ચિંતા વધારી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ૨૦૦ જેટલા લોકોની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના વિરોધ પ્રદર્શનકારીઓ ૧૬ વર્ષની આસપાસની વયના સગીરો છે. વિદ્યાર્થીઓનો સીધો અને સ્પષ્ટ આરોપ છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રની અવગણના કરીને હથિયારો અને સૈન્ય સંરક્ષણ પાછળ પાણીની જેમ નાણાં વહી રહી છે, જેને લઈને તેમણે 'નો વેપન્સ' (No Weapons) ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આગામી સમયમાં વર્ષ ૨૦૨૭માં ઈટલીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ યુવા આંદોલન રાજકીય ગલિયારામાં પણ મોટો વિષય બન્યો છે.
અહેવાલો અનુસાર, ઈટલીએ વર્ષ ૨૦૨૪માં શિક્ષણ પાછળ આશરે ૯૭ અબજ ડોલર (લગભગ ₹ ૯.૨૧ લાખ કરોડ) ખર્ચ્યા હતા, જ્યારે તે જ વર્ષે માત્ર હથિયારોની ખરીદી પાછળ જ ૩૦ અબજ ડોલર (આશરે ₹ ૨.૮ લાખ કરોડ) અને કુલ સંરક્ષણ પાછળ ૫૦ અબજ ડોલર (અંદાજે ₹ ૪.૭૫ લાખ કરોડ) ફાળવ્યા હતા. બજેટની આ પ્રાથમિકતાઓ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રજ્વલિત થયો છે.
બીજી તરફ, વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ હિંસા અને આગચંપીની સખત શબ્દોમાં નિંદા કરતા પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. મેલોનીએ આ સમગ્ર અશાંતિ પાછળ ડાબેરી નેતાઓની ચાલ હોવાનું જણાવીને યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને હિંસા આચરનાર એકપણ શખસને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ઈટલી જ નહીં પરંતુ ફ્રાન્સમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે, જ્યાં રવિવારે ૧,૫૦૦થી વધુ દુકાનો અને મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
