News of Tuesday, 5th May 2026
જીભ પણ છે તમારી 'આઈડેન્ટિટી': ફિંગરપ્રિન્ટની જેમ તમારી જીભની છાપ પણ છે દુનિયામાં એકદમ યુનિક!
વિજ્ઞાનનો અનોખો ખુલાસો: ભલે દેખાવમાં જીભ એકસરખી લાગે, પણ તેના પર રહેલા નિશાન દરેક માણસને બીજાથી પાડે છે અલગ

રાજકોટ, તા.૦૫: કુદરતે માનવ શરીરની રચના એટલી અદભૂત કરી છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક માણસની આંગળીઓના નિશાન એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અલગ-અલગ હોય છે, જેના આધારે ગુનેગારોને પકડવાથી લઈને મોબાઈલ અનલોક કરવા સુધીના કામ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી જીભ પણ ફિંગરપ્રિન્ટની જેમ જ અનોખી છે? જી હા, તમારી જીભની છાપ એટલે કે 'ટંગ પ્રિન્ટ' (Tongue Print) પણ દુનિયામાં કોઈની સાથે મેચ થતી નથી.
જોડિયા બાળકોમાં પણ હોય છે તફાવત
વૈજ્ઞાનિક સંશોધનોમાં સામે આવ્યું છે કે જીભ એ શરીરનો એકમાત્ર એવો સ્નાયુ છે જે મોઢાની અંદર સુરક્ષિત હોવા છતાં તેને બહાર કાઢીને તપાસી શકાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે જોડિયા બાળકો (Twins) એકસરખા દેખાતા હોય અને જેમનો DNA પણ મળતો આવતો હોય, તેમની જીભના નિશાન અને તેનો આકાર પણ એકબીજાથી તદ્દન અલગ હોય છે.
સુરક્ષા માટે પણ થઈ શકે છે ઉપયોગ
જીભ પર રહેલા ટેક્સચર, ખાંચા અને નાના-નાના દાણા (Papillae) ની ગોઠવણી દરેક વ્યક્તિમાં વિશિષ્ટ હોય છે. વિદેશોમાં હવે એવી ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે જ્યાં બાયોમેટ્રિક સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન (આંખનું સ્કેન) ની જેમ 'ટંગ સ્કેનિંગ'નો ઉપયોગ કરવામાં આવે. કારણ કે જીભને ફોર્જ કરવી કે તેની નકલ કરવી લગભગ અશક્ય છે.
તમારી જીભ માત્ર સ્વાદ પારખવા કે બોલવા માટે જ નથી, પરંતુ તે તમારી એક આગવી અને અજોડ ઓળખ પણ છે. કુદરતની આ કરામત ખરેખર અકલ્પનીય છે!
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
