<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

જજ સાહેબ, ૧૦૦૦નો ગેસનો બાટલો ૫૦૦૦માં વેચાય છે!

અરજી લઈ હાઈકોર્ટમાં પહોંચ્‍યો શખ્‍સઃ જાહેરહિતની અરજી પર સુનાવણી કરવાની હાઈકોર્ટે ના પાડી દીધી : મુખ્‍ય ન્‍યાયાધીશ ઉપાધ્‍યાયે કહ્યું કે, માની લો કે અમે આદેશ આપી દઈએ કે, હવેથી કાળાબજારી અને જમાખોરી નહીં થાય. શું આ શક્‍ય છે? આ ખૂબ જ પાયાની વાત છે કે કોઈ પણ એવો આદેશ પાસ ન કરી શકાય જે લાગૂ કરવા યોગ્‍ય ન હોય

નવી દિલ્‍હી,તા.૨૩: દિલ્‍હી હાઈકોર્ટે બુધવારે રાજધાનીમાં એલપીજી સિલિન્‍ડરની કથિત કાળાબજારી અને ભારે કમીને લઈ દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી. મુખ્‍ય ન્‍યાયાધીશ દેવેન્‍દ્ર કુમાર ઉપાધ્‍યાય અને ન્‍યાયમૂર્તિ તેજસ કારિયાની પીઠે કહ્યું કે, એલપીજી સિલિન્‍ડરની સપ્‍લાયનો મુદ્દો કાર્યપાલિકાના અધિકાર ક્ષેત્રમાં આવે છે એટલા માટે કોર્ટ આ સંબંધમાં કોઈ આદેશ પાસ કરી શકતી નથી.

મુખ્‍ય ન્‍યાયાધીશ ઉપાધ્‍યાયે કહ્યું કે, માની લો કે અમે આદેશ આપી દઈએ કે, હવેથી કાળાબજારી અને જમાખોરી નહીં થાય. શું આ શક્‍ય છે? આ ખૂબ જ પાયાની વાત છે કે કોઈ પણ એવો આદેશ પાસ ન કરી શકાય જે લાગૂ કરવા યોગ્‍ય ન હોય. તેમણે ટિપ્‍પણી કરી કે આ મામલામાં આદેશ જાહેર કરવો એટલો જ અવ્‍યાવહારિક હશે, જેટલું સરકારને ભારતમાંથી ગરીબી ખતમ કરવાનો નિર્દેશ આપવો. આવા કિસ્‍સામાં સરકાર અને તેલ કંપનીઓની જવાબદારી સંસાધનો પર નિર્ભર કરે છે. તમે અમે બે મહિનામાં ગરીબી ઉન્‍મૂલન જેવા પરમાદેશ જાહેર કરવા કહી રહ્યા છો, શું આવો પરમાદેશ જાહેર કરી શકાય છે?

અરજીકર્તા વકીલ રાકેશ કુમાર મિત્તલે દલીલ આપી કે એલપીજી સિલિન્‍ડર કાળા બજારમાં ૫૦૦૦ રુપિયાથી પણ વધારે કિમતે વેચાઈ રહ્યા છે, જ્‍યારે સિલિન્‍ડરની અસલી કિમત ૧૦૦૦ રુપિયા જ છે. તેમણે એવું પણ કહ્યું કે, થોડા અઠવાડિયા પહેલા ઉચ્‍ચ ન્‍યાયાલયની કેન્‍ટીનમાં પણ ગેસની કમી થઈ ગઈ હતી અને આ આરોપ હતો કે દેશમાં ગેસની કમી છતાં સરકાર તેની નિકાસની અનુમતિ આપી રહી છે.

બેન્‍ચે જવાબમાં કહ્યું કે, હાઈકોર્ટ કેન્‍ટીનમાં ગેસની સપ્‍લાય એ જ દિવસે શરુ થઈ ગઈ હતી. ન્‍યાયમૂર્તિ કારિયાએ કહ્યું કે, સરકાર સ્‍થિતિના નિવારણ માટે પગલાં ઉઠાવી રહી છે અને જ્‍યારે સરકારે પહેલાથી કાર્યવાહી કરી રહી છે તો કોર્ટ પરમાદેશ જાહેર કરી શકતી નથી. ન્‍યાયમૂર્તિ કારિયાએ કહ્યું કે સરકાર સ્‍થિતિના નિવારણ માટે દરેક શક્‍ય પગલાં ઉઠાવી રહી છે, જ્‍યારે સરકાર પહેલાથી કાર્યવાહી કરી રહી છે તો અમે પરમાદેશ જાહેર કરી શકતા નથી. જો સરકાર કાર્યવાહી નથી કરી રહી તો અમે નિર્દેશ આપી શકીએ છીએ. સરકાર શક્‍ય દરેક કાર્યવાહી કરી રહી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા ગેસની નિકાસની અનુમતિ આપવા સંબંધિત તર્ક પર પીઠે કહ્યું કે, તે સરકારની આર્થિક નીતિઓમાં હસ્‍તક્ષેપ કરી શકતા નથી.

(10:03 AM IST)