<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સિરોહીમાં પ્રેમલગ્નની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા

સગર્ભા પત્ની અને માતાની નજર સામે યુવકને કુહાડી-તલવારના ઘા ઝીંક્યા : સાસરિયા પક્ષના પાંચ આરોપીઓ ઝડપાયા મુંબઈથી દિવાળી ઉજવવા વતન આવેલા ૨૨ વર્ષના લક્ષ્મણની હત્યા : બચાવવા આવેલી માતા અને પત્નીને પણ ઈજા

સિરોહી : રાજસ્થાનના સિરોહી જિલ્લામાં પ્રેમલગ્નની અદાવતમાં ૨૨ વર્ષના યુવકની ઘાતકી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અનાદરા પોલીસ સ્ટેશન હેઠળના માલગાંવમાં આ ઘટના બની હતી.

 

મૃતક લક્ષ્મણ ઘાંચીએ એક વર્ષ પહેલાં નાગાણી ગામની નીરુ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારબાદ બંને મુંબઈમાં રહેતાં હતાં. દિવાળી ઉજવવા લક્ષ્મણ પોતાની સાત મહિનાની સગર્ભા પત્ની સાથે વતન આવ્યો હતો.

 

પરિવારના આક્ષેપ મુજબ, નીરુના કાકા શંકર અને તેમના પુત્રો સહિતના શખ્સો કુહાડી, તલવાર અને અન્ય ઘાતક હથિયારો લઈને ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે લક્ષ્મણ ઉપર ઉપરાછાપરી હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા આવેલી માતા હંજા દેવીના હાથની આંગળીઓ અને કમરમાં ઈજા પહોંચી હતી. સગર્ભા પત્ની નીરુને પણ ધક્કો મારી પાડી દેવાતાં ઈજા થઈ હતી.

 

ગંભીર હાલતમાં લક્ષ્મણને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અનાદરા પોલીસના અધિકારી અમરારામ ખોખરના જણાવ્યા મુજબ, પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(5:56 PM IST)