તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
બ્રિટનના ઝૂમાં સિંહ/વાઘના પાંજરામાં કૂદી પડેલા યુવક પર હુમલો: વાઘ સામે બે હાથ જોડી નમન કર્યા બાદ ત્રાટક્યો વાઘ, કરૂણ મોત
૨૦થી ૨૫ વર્ષીય યુવકે 'યોર્કશાયર વાઇલ્ડલાઇફ પાર્ક'માં વાઘના એન્ક્લોઝરમાં પ્રવેશ કર્યો; ઉપસ્થિત પ્રવાસીઓની નજર સામે જ નીપજ્યું કરૂણ મોત

લંડન (બ્રિટન): બ્રિટનના પ્રખ્યાત યોર્કશાયર વાઇલ્ડલાઇફ પાર્ક (Yorkshire Wildlife Park) ખાતે એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ઝૂની મુલાકાતે આવેલો અંદાજે ૨૦થી ૨૫ વર્ષનો એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને સાઇબેરીયન (અામુર) વાઘના ખુલ્લા પાંજરા (એન્ક્લોઝર)માં કૂદી પડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પાંજરામાં ઉતર્યા બાદ આ યુવક વાઘની સામે ઘૂંટણિયે બેસીને બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો હતો અને માથું નમાવી નમન કરી રહ્યો હતો. તે જ ક્ષણે ૨૦૦ કિલો વજન ધરાવતા વાઘે તેના પર હુમલો કરી દીધો હતો, જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રવાસીઓને કહ્યું 'મારી તસવીર લો' અને પછી પાંજરામાં કૂદી પડ્યો
આ ભયાનક ઘટના શનિવારે બપોરે બની હતી. ઝૂમાં આવેલા અન્ય એક મહિલા પ્રવાસી ડેલ્ટા ટેલરના જણાવ્યા મુજબ, હુમલાના થોડા સમય પહેલા જ આ યુવક એકલો બ્રિજ પર ડાન્સ કરી રહ્યો હતો. તેણે મહિલાને પોતાની વાઘ સાથેની એક તસવીર પાડી આપવા વિનંતી પણ કરી હતી. યુવક ખૂબ જ શાંત દેખાતો હતો પરંતુ અચાનક તેણે ઊંચી સુરક્ષા જાળી કૂદીને વાઘના વિસ્તારમાં પ્રવેશ કરી લીધો હતો.
"મને છોડી દો... ના... ના..." ના પોકારો વચ્ચે વાઘે ગળાનો ભાગ દબોચી લીધો
પ્રત્યક્ષદર્શી એન્થોની નામના મુલાકાતીએ જણાવ્યું કે, યુવક પાંજરામાં પહોંચીને પોતાના હાથ-પગ પર ઝૂકીને વાઘ સામે પ્રાર્થનાની મુદ્રામાં બેસી ગયો હતો. આ જોતાં જ 'અલતાઈ' (Altai) નામના અમુર વાઘે તેના પર તરાપ મારી હતી. વાઘે હુમલો કરતા જ યુવકે બચવા માટે સંઘર્ષ કર્યો હતો અને "ના, ના, ના... બંધ કરો, મને છોડી દો" તેવી ચીસો પાડી હતી. પરંતુ વાઘે ક્ષણવારમાં જ યુવકની ગરદન દબોચી લીધી હતી.
ઝૂ સ્ટાફે હવાઈ ફાયરિંગ કર્યું, પરંતુ યુવકને બચાવી શકાયો નહીં
ઘટનાની ગંભીરતા જોતાં જ ઝૂના સુરક્ષા કર્મચારીઓ (રેન્જર્સ) તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. વાઘને ડરાવીને દૂર ભગાડવા માટે રેન્જર્સે હવામાં અને જમીન પર ફાયરિંગ પણ કર્યું હતું. પરંતુ વાઘે યુવકને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હોવાથી પેરામેડિક્સ અને પોલીસ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે તાત્કાલિક સમગ્ર ઝૂ ખાલી કરાવીને બંધ કરી દીધું હતું અને મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધ્યો છે.
વાઘને મારવામાં નહીં આવે: ઝૂ પ્રશાસન
આ કરૂણ બનાવ બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વાઘની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, ઝૂ પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં વાઘનો કોઈ વાંક નથી, તે તેની કુદરતી પ્રવૃત્તિ કરી રહ્યો હતો. તેથી 'અલતાઈ' નામના આ વાઘને મારવામાં નહીં આવે (euthanized કરાશે નહીં). પ્રાણી નિષ્ણાતોના મતે, ૨૦૦ કિલોના વાઘ સામે કોઈપણ મનુષ્ય માટે બચવું અશક્ય સમાન છે. આ મામલે સ્થાનિક પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે યુવકે કયા કારણોસર પાંજરામાં પ્રવેશ કર્યો હતો.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
