તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
જ્યોર્જિયામાં MBBSના છેલ્લા વર્ષમાં ભણતા આમોદરાના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત : હત્યાની આશંકા
છેલ્લા 16 દિવસથી ધ્વનિત લાપતા હોય સ્થાનિક પોલીસ અને યુનિવર્સિટી તંત્ર દ્વારા તેની શોધખોળ કરતી હતી :જ્યોર્જિયાની એક નદીમાંથી ધ્વનિતનો નિષ્પ્રાણ દેહ મળતા સ્થાનિક તંત્રએ તેના પરિવારને જાણ કરી

ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિદેશની ધરતી પર ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે અનિચ્છનીય ઘટનાઓ વધતી જોવા મળી રહી છે.ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી સામે આવી છે. બાયડના આમોદરા ગામનો 23 વર્ષીય આશાસ્પદ યુવાન ધ્વનિત રાજદીપ, જે જ્યોર્જિયામાં ડૉક્ટર બનવાનું સપનું લઈને ગયો હતો, તેનું ત્યાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ધ્વનિત રાજદીપ જ્યોર્જિયાની પ્રખ્યાત 'કાકેસસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી'માં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેનું ભણતર પૂરું થવાને હવે ગણતરીના મહિનાઓ જ બાકી હતા ત્યાં જ તે અચાનક ગુમ થઈ ગયો હતો. છેલ્લા 16 દિવસથી ધ્વનિત લાપતા હોવાને કારણે સ્થાનિક પોલીસ અને યુનિવર્સિટી તંત્ર દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ શોધખોળનો અંત અત્યંત કરુણ આવ્યો છે. જ્યોર્જિયાની એક નદીમાંથી ધ્વનિતનો નિષ્પ્રાણ દેહ મળી આવતા સ્થાનિક તંત્રએ તેના પરિવારને જાણ કરી હતી.
ધ્વનિતના મોતના સમાચાર મળતા જ આમોદરા ગામ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ થોડા સમયમાં જે દીકરો ડૉક્ટર બનીને વતન પાછો આવવાનો હતો, તેનો મૃતદેહ આવવાના સમાચારથી માતા-પિતા ભાંગી પડ્યા છે. જોકે, આ મામલે પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. ધ્વનિત નદીમાં ડૂબી જાય કે આત્મહત્યા કરે તેવો નહોતો, જેથી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે.
આ ઘટનાને પગલે હવે વિદેશમાં વસતા ગુજરાતી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. ધ્વનિતના પરિવારે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને જ્યોર્જિયા સરકાર સમક્ષ આ કેસની નિષ્પક્ષ તેમજ ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા માટે માંગ કરી છે, જેથી દીકરાના મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકે અને જો કોઈ ગુનેગાર હોય તો તેને કડક સજા મળે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
