તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
અમેરિકી રાજકારણમાં ભારતીય યુવા નેતાનો હોબાળો: જય વૈંગણકરે ડેમોક્રેટ્સ પર સાધ્યું નિશાન, ઈમિગ્રેશન એજન્સી 'ICE' ને જડબાતોડ જવાબ આપી નાબૂદ કરવાની કરી માંગ!
"હું ICE કરતા પણ મોટો છું": ૨૭ વર્ષીય ભારતીય મૂળના ઉમેદવારે પોતાની જ પાર્ટીની નીતિઓને ગણાવી નકામી, ન્યૂજર્સીની બેઠક પરથી ટ્રમ્પ અને બાઈડનની નીતિઓ વચ્ચે નવો મોરચો ખોલ્યો

ટ્રેન્ટન (ન્યૂજર્સી): અમેરિકાના ન્યૂજર્સીમાં ૧૨મા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર જય વૈંગણકરે પોતાની તેજાબી વાણીથી અમેરિકી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ૨૭ વર્ષીય આ યુવા નેતાએ અમેરિકાની ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી (ICE) ને નાબૂદ કરવાની જોરદાર માંગ કરી છે. એટલું જ નહીં, તેમણે પોતાની જ ડેમોક્રેટિક પાર્ટીને પણ આડેહાથ લેતા કહ્યું કે અડધા-પડધા સુધારા કરવાને કારણે જ ડેમોક્રેટ્સ ચૂંટણી હારે છે.
ICE ને ગણાવ્યુ ૯/૧૧ પછીનું 'ઓવરરિએક્શન'
પોતાના એક જાહેર સંબોધનમાં જય વૈંગણકરે કટાક્ષ કરતા કહ્યું કે, "હું આ મંચ પર સૌથી નાનો વ્યક્તિ છું, તેમ છતાં મારી ઉંમર ICE એજન્સી કરતા વધારે છે." તેમણે યાદ અપાવ્યું કે ICE ની સ્થાપના ૨૦૦૩માં થઈ હતી, જે ૯/૧૧ ના હુમલા પછીની એક 'અતિશયોક્તિભરી પ્રતિક્રિયા' હતી. તેમણે દાવો કર્યો કે ૨૦૦૩ પહેલા પણ અમેરિકા તેના ઈમિગ્રેશન કાયદાઓનો અમલ સારી રીતે કરતું જ હતું અને તે કામ સ્થાનિક પોલીસ દ્વારા પણ થઈ શકે છે.
ડેમોક્રેટ્સની 'હાફ-મેઝર્સ' નીતિની ટીકા
વૈંગણકરે ડેમોક્રેટિક પાર્ટી દ્વારા સૂચવવામાં આવેલા ક્યુઆર કોડ અને બોડી કેમેરા જેવા સુધારાઓને 'બકવાસ' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આવા નાના સુધારાઓથી સિસ્ટમ બદલાતી નથી. તેમના મતે, ICE માં રોકવામાં આવતા નાણાંનો ઉપયોગ કાનૂની ઈમિગ્રેશનના રસ્તાઓ સરળ બનાવવા માટે કરવો જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે રિપબ્લિકન પાર્ટી જાણીજોઈને સિસ્ટમને નબળી પાડે છે જેથી ઈમિગ્રેશન જજ પર ભાર વધે અને H-1B વિઝા માટે લોકોને લાંબી રાહ જોવી પડે.
કોણ છે જય વૈંગણકર?
ભારતીય ઇમિગ્રન્ટ્સના પુત્ર એવા જય વૈંગણકરે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ ૨૦૨૦માં જો બાઈડનના પ્રચાર અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં અને ઉર્જા વિભાગમાં પોલિસી એડવાઈઝર તરીકે પણ કામ કર્યું છે. હવે તેઓ હેલ્થકેર, હાઉસિંગ અને રિપ્રોડક્ટિવ રાઈટ્સ જેવા મુદ્દાઓ સાથે મેદાનમાં છે. તેમની સામે સુજીત સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે, પરંતુ તેમની 'ICE' નાબૂદ કરવાની માંગે તેમને અત્યારે ચર્ચામાં લાવી દીધા છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
