<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

"તમે કાન કાપીને ખાઈ ગયા અને હવે જામીન માંગો છો!": સુપ્રીમ કોર્ટે ફગાવી રાંચી હિંસાના આરોપીની અરજી

ઝારખંડ હાઈકોર્ટનો જામીન રદ કરવાનો આદેશ યથાવત

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે રાંચીમાં જન્માષ્ટમીની રાત્રે થયેલી એક અત્યંત ક્રૂર અને હિંસક અથડામણના મામલે આરોપીને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી. પર્દિયાવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચ સમક્ષ રાજીવ કુમાર રંજન દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે કેસની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાનમાં રાખીને ઝારખંડ હાઈકોર્ટના જામીન ફગાવવાના આદેશને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો છે. સુનાવણી દરમિયાન જ્યારે આરોપીના વકીલે બચાવ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ન્યાયાધીશોએ કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "તમે પહેલાં બંદૂક કાઢી, પછી તેનો કાન પકડીને આખો કાન કાપીને ખાઈ ગયા અને હવે તમે આગોતરા જામીન માંગી રહ્યા છો?" આ આકરી ટિપ્પણીથી કોર્ટનો કડક મિજાજ સ્પષ્ટપણે દેખાઈ આવ્યો હતો.

ઘટનાની વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૪માં રાંચીના અરગોરા પોલીસ સ્ટેશનમાં રાજીવ રંજન કુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૧૧૮ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ પડોશીઓ વચ્ચેનો લાંબો વિવાદ હતો અને જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન મામલો વકર્યો હતો, જેમાં તેમના અસીલને પણ માર મારવામાં આવ્યો હતો અને તેમની છાતી પર ઘા કરવામાં આવ્યા હતા. વકીલે દાવો કર્યો હતો કે તેમના અસીલ તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છે. જો કે, પોલીસ તપાસના અહેવાલો અને પીડિતાને માથા તથા ચહેરા પર થયેલી ગંભીર ઈજાઓના પુરાવાઓએ આરોપીના દાવાઓની પોલ ખોલી નાખી હતી, જેના કારણે ન્યાયાધીશો આરોપીની દલીલોથી જરાય પ્રભાવિત થયા ન હતા.

આ કેસના કારણે ઝારખંડના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે કે કેવી રીતે તહેવારના પવિત્ર માહોલમાં સામાન્ય બાબતો હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે આવા જઘન્ય કૃત્યો કરનાર વ્યક્તિ આગોતરા જામીન મેળવવાને પાત્ર નથી. આ ચુકાદાથી કાયદાકીય સ્તરે એ સંદેશ ગયો છે કે ગંભીર હિંસા અને અમાનવીય કૃત્યો આચરનારાઓ સામે ન્યાયિક તંત્ર કડક રૂખ અપનાવવામાં ક્યારેય પીછેહઠ કરશે નહીં.

(6:42 PM IST)