News of Thursday, 24th September 2026
ટુરિઝમ ક્ષેત્રે યોગી સરકારનો ધમાકો: ઘરેલુ રાત્રિ પ્રવાસમાં ઉત્તર પ્રદેશ દેશભરમાં નંબર-૧ : તમિલનાડુ અને રાજસ્થાન પછડાટ ખાધા!
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય ના સર્વેમાં ખુલ્યા ચોંકાવનારા આંકડા: ૧૫.૭% હિસ્સા સાથે યુપી દેશમાં શિરમોર, અયોધ્યા-કાશી-પ્રયાગરાજ ઉપરાંત ચિત્રકૂટ અને મિર્ઝાપુરમાં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટ્યો!

લખનૌ: દેશભરમાં પર્યટન અને પ્રવાસન ક્ષેત્રે ઉત્તર પ્રદેશ સરકારે એક નવો ઈતિહાસ રચી દીધો છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા હાથ ધરવામાં આવેલા ઘરેલુ પ્રવાસન ખર્ચ સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશે ઘરેલુ રાત્રિ પ્રવાસની મુખ્ય શ્રેણીઓમાં દેશભરમાં સૌથી વધુ હિસ્સો નોંધાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુપીએ પ્રવાસન ક્ષેત્રે મોટો ધડાકો કરીને તમિલનાડુ અને રાજસ્થાન જેવા પ્રવાસન ક્ષેત્રે અગ્રણી ગણાતા રાજ્યોને પણ પાછળ છોડી દીધા છે.
NSO ના અધિકૃત સર્વે મુજબ, ૩૬૫ દિવસના સમયગાળા દરમિયાન ધાર્મિક યાત્રાધામ, લેઝર, વેલનેસ અને શોપિંગ જેવા મુખ્ય હેતુઓ માટે રાત્રિ પ્રવાસ (ઓવરનાઈટ સ્ટે) કરવામાં ઉત્તર પ્રદેશ ૧૫.૭ ટકાના હિસ્સા સાથે સમગ્ર દેશમાં ટોચ પર રહ્યું છે. આ મામલે તમિલનાડુ ૧૩.૪ ટકા સાથે બીજા અને રાજસ્થાન ૮ ટકા સાથે ત્રીજા ક્રમે ફેંકાઈ ગયું છે. આ ઉપરાંત, છેલ્લા ૩૦ દિવસમાં વ્યાપાર, સામાજિક મુસાફરી, શિક્ષણ અને તાલીમ જેવા હેતુઓ માટે થતા રાત્રિ પ્રવાસમાં પણ યુપી ૧૫.૫ ટકા હિસ્સા સાથે દેશમાં નંબર-૧ બન્યું છે, જ્યારે આ શ્રેણીમાં બિહાર ૧૦.૫ ટકા સાથે બીજા અને તમિલનાડુ ૯.૬ ટકા સાથે ત્રીજા ક્રમે આવ્યું છે.
રાજ્યના પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે આ સિદ્ધિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કુશળ નેતૃત્વ હેઠળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં થયેલો સુધારો, એક્સપ્રેસવે અને એરપોર્ટનું ઝડપી નેટવર્ક તથા મજબૂત રેલ કનેક્ટિવિટીને કારણે ઉત્તર પ્રદેશ પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યું છે. વર્ષ ૨૦૧૭થી રાજ્યમાં આશરે રૂ. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે ૩,૦૦૦થી વધુ પ્રવાસન પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. પ્રવાસન નીતિ ૨૦૨૨ હેઠળ ૧૨ થીમેટિક સર્કિટ વિકસાવવામાં આવી રહી છે.
હવે યુપીમાં પર્યટન માત્ર અયોધ્યા, કાશી અને પ્રયાગરાજ સુધી સીમિત ન રહેતા ગ્રામીણ વિસ્તારો, વિંધ્ય ધામ, ચિત્રકૂટ, નૈમિષારણ્ય અને દેવીપાટન સુધી વિસ્તર્યું છે. સરકારી ડેટા અનુસાર, ચિત્રકૂટમાં પ્રવાસીઓની સંખ્યા વર્ષ ૨૦૨૪માં ૧૧.૮ મિલિયન (૧.૧૮ કરોડ) હતી જે ૨૦૨૫માં ઉછળીને ૩૬.૫ મિલિયન (૩.૬૫ કરોડ) થઈ ગઈ છે! જ્યારે મિર્ઝાપુરમાં પણ પ્રવાસીઓનો આંકડો ૧૪.૧ મિલિયનથી વધીને ૨૧ મિલિયન પહોંચી ગયો છે. આ આંકડા સાબિત કરે છે કે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે કનેક્ટિવિટી જોડાતા ઉત્તર પ્રદેશ આજે દેશનું સૌથી મોટું ટુરિઝમ હબ બની ચૂક્યું છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
