News of Tuesday, 15th September 2026
ચૂંટણી પહેલાં યોગી કેબિનેટનો ખેડૂતો માટે માસ્ટરસ્ટ્રોક: માત્ર ૬% વ્યાજ દરે ₹૬ લાખ સુધીની લોન આપવાના પ્રસ્તાવને મંજૂરી!
ઉત્તર પ્રદેશ સહકારી ગ્રામ વિકાસ બેંક દ્વારા મળનારી લોનમાં સરકાર ૫% વ્યાજ સબસીડી ભોગવશે: PRD જવાનોના માનદ વેતનમાં વધારો અને અયોધ્યામાં NSG કેન્દ્ર માટે ૬૫ એકર જમીન મંજૂર

લખનૌ : ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના ખેડૂતો અને સરકારી કર્મચારીઓ માટે તિજોરીના દ્વાર ખોલી નાખ્યા છે. કેબિનેટ બેઠકમાં મંજૂર કરાયેલા ૨૩ મહત્વપૂર્ણ પ્રસ્તાવો પૈકી સૌથી મોટો નિર્ણય 'મુખ્યમંત્રી ખેડૂત સમૃદ્ધિ યોજના' હેઠળ ખેડૂતોને રાહત આપવાનો લેવાયો છે. હવે ઉત્તર પ્રદેશના નાના અને સીમાંત ખેડૂતોને યુપી સહકારી ગ્રામ વિકાસ બેંક તરફથી માત્ર ૬% વાર્ષિક વ્યાજ દરે ₹૬ લાખ સુધીની લાંબા ગાળાની લોન મળશે. અગાઉ આ વ્યાજ દર ૧૧.૫% જેટલો ઊંચો હતો, પરંતુ હવે સરકાર પોતે ૫% વ્યાજ બોજ સહન કરશે, જેનાથી રાજ્ય સરકાર પર વાર્ષિક ₹૩૮.૪ કરોડનો નાણાકીય બોજ પડશે.
હવામાન અને કુદરતી આફતોને કારણે પાકને થતા નુકસાન સામે ઝૂઝતા ખેડૂતો માટે આ સસ્તી લોન યોજના સંજીવની સમાન સાબિત થશે. ઉંચા વ્યાજદરમાંથી મુક્તિ મળવાના કારણે નાના ખેડૂતો પરનો આર્થિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે. ખેડૂતો ઉપરાંત યોગી કેબિનેટે રાજ્યના આશરે ૪૦,૦૦૦ પ્રાંતીય રક્ષક દળ (PRD) ના કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે. કેબિનેટે PRD જવાનોના માનદ વેતનમાં વધારો કરવાની સાથે તેમને ₹૫ લાખ સુધીની મફત 'કેશલેસ' તબીબી સારવાર આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે.
આ સાથે જ રાજ્ય સરકારની આ મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં રાશન ડીલરોના માર્જિનમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 'નવી રમકડા પ્રોત્સાહન નીતિ' ને પણ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ધાર્મિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા અયોધ્યા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના માટે ૬૫ એકર જમીન ફાળવવાના પ્રસ્તાવ પર કેબિનેટે આખરી મોહર લગાવી દીધી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
