News of Tuesday, 8th September 2026
ઉત્તર પ્રદેશના ૨.૫૧ લાખથી વધુ આંગણવાડી કાર્યકરો-સહાયકો માટે યોગી આદિત્યનાથની મોટી જાહેરાત: માનદ વેતનમાં મોટો વધારો અને રૂ. ૫ લાખનું કવચ
રૂ. ૧૨,૦૦૦ સુધી માનદ વેતન વધારાયું, વાર્ષિક રૂ. ૫ લાખની ફ્રી કેશલેસ સારવાર અને સાડી માટે રૂ. ૫૦૦ ની વિશેષ સહાય: ઓક્ટોબરથી લાગુ થશે નવો પગાર

અયોધ્યા : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે અયોધ્યાના GIC ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન રાજ્યના ૨.૫૧ લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે સરકારી તિજોરી ખોલી દીધી છે. મુખ્યમંત્રીએ આંગણવાડી બહેનોના કલ્યાણ માટે એકસાથે ત્રણ મોટી ભેટો આપીને તેમનું મનોબળ વધાર્યું છે. આ જાહેરાત બાદ રાજ્યના બાળ વિકાસ સેવા અને પોષણ વિભાગ દ્વારા ત્વરિત સરકારી આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આંગણવાડી કાર્યકરોના માસિક માનદ વેતનમાં રૂ. ૮,૦૦૦ થી વધારો કરીને રૂ. ૧૨,૦૦૦ પ્રતિ માસ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ આંગણવાડી સહાયકોનું માનદ વેતન રૂ. ૪,૦૦૦ થી વધારીને રૂ. ૬,૦૦૦ પ્રતિ માસ કરવામાં આવ્યું છે. આ વધારેલું માનદ વેતન ઓક્ટોબર મહિનાથી જ લાગુ થઈ જશે. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું હતું કે ૨૦૧૭ માં તેમની સરકાર આવી તે પહેલા આંગણવાડી કાર્યકરોને માત્ર રૂ. ૩,૦૦૦ અને સહાયકોને માત્ર રૂ. ૧,૫૦૦ મળતા હતા, જે તેમની સરકારે તબક્કાવાર વધાર્યા છે.
૫ લાખ રૂપિયાનો કેશલેસ આરોગ્ય વીમો અને સાડીઓ માટે સીધી સહાય
બીજી મોટી ભેટ આપતાં મુખ્યમંત્રીએ તમામ આંગણવાડી કાર્યકરો, સહાયકો અને તેમના પરિવારો માટે વાર્ષિક રૂ. ૫ લાખ સુધીના 'કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ' ની જાહેરાત કરી છે. આ યોજનાથી ગંભીર બીમારીઓ કે તબીબી કટોકટીના સમયે કર્મચારીઓને મોટો નાણાકીય ટેકો મળશે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જીવની પરવા કર્યા વગર ગામડે ગામડે સેવા આપનાર આંગણવાડી અને આશા બહેનોના સમર્પણની યોગી આદિત્યનાથે વિશેષ પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત, ત્રીજી ભેટ તરીકે રાજ્યના ૨.૫૧ લાખથી વધુ સહાયકોને વધારાની સાડીઓ ખરીદવા માટે રૂ. ૫૦૦ ની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં (DBT દ્વારા) ટ્રાન્સફર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જ અંદાજે રૂ. ૨૯ કરોડની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરી દેવામાં આવી હતી. અગાઉ માત્ર એક સાડીની જોગવાઈ હતી, પરંતુ હવે સરકારે આ વધારાનો લાભ ઉમેરીને આંગણવાડી બહેનોનો ઉત્સાહ બમણો કર્યો છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
