<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

યમુના એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત :ખાનગી બસ ટ્રેલર સાથે અથડાતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

દિલ્હીથી આગ્રા જતી એક ખાનગી બસ આગળ જતા ટ્રેલરના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. દિલ્હીથી આગ્રા જઈ રહેલી એક ખાનગી બસ ટ્રેલર સાથે અથડાતાં ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

 

આ અકસ્માત સવારે અંદાજે 4થી 5 વાગ્યાની વચ્ચે મથુરાના સુરીર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા યમુના એક્સપ્રેસ વે પર થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસ તેની આગળ જઈ રહેલા ટ્રેલરના પાછળના ભાગમાં જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બસ ચાલકને ઊંઘનું ઝોકું આવ્યું હોઈ શકે છે અથવા તેણે વધુ ઝડપે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

 

અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ચીસો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અવાજ સાંભળીને નજીકના ગામના લોકો અને એક્સપ્રેસ વેની સુરક્ષા ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકોની મદદથી પોલીસ અને બચાવ ટીમે રાહત કામગીરી શરૂ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બસનો આગળનો ભાગ કાપવો પડ્યો હતો. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

 

અકસ્માતની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત બસ અને ટ્રેલરને રસ્તા પરથી હટાવવામાં આવ્યા જેથી ટ્રાફિક ફરી સામાન્ય બની શકે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

 

(11:37 AM IST)