તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
પિતા બન્યો યમરાજ: સાત વર્ષના સુખદ લગ્નજીવનનો લોહિયાળ અંત, પત્ની અને ચાર નિર્દોષ ભૂલકાઓને ઝેર આપી પિતાએ ખેલ્યો મોતનો તાંડવ
એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નરાધમ પિતાએ પોતે પણ હાથની નસ કાપી જીવન ટૂંકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો: તૂટેલો મોબાઈલ ખોલશે કરુણ અંજામ પાછળનું રહસ્ય

ગુરુગ્રામ : ગુરુગ્રામના વઝીરપુર વિસ્તારમાં શનિવારે મધ્યરાત્રિએ એક એવી હૃદયદ્રાવક ઘટના ઘટી જેણે માનવતાને પણ શરમાવી દીધી છે. જે પિતાએ સંતાનો માટે રક્ષક બનવું જોઈએ, તે જ નાઝિમ નામનો શખ્સ પોતાના પરિવારનો ભક્ષક બન્યો. સાત વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરી સુખી સંસાર વસાવનારા નાઝિમે પોતાની પત્ની નજમા અને ચાર માસૂમ બાળકો- ઈકરા, સિફા, ખતિના અને અયાનને ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતારી દીધા. કાલ સુધી જે ઘરમાં બાળકોના કિલકિલાટ ગુંજતા હતા, ત્યાં આજે પાંચ અર્થીઓ એકસાથે ઊઠતા સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે રૂમમાં પાંચેય સભ્યોના નિર્જીવ દેહ લોહી થીજી જાય તેવી શાંતિ વચ્ચે પડ્યા હતા. આરોપી નાઝિમે પરિવારને પતાવી દીધા બાદ પોતે પણ નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાસ્થળેથી પોલીસને એક તૂટેલી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો છે. એસીપી નવીન શર્માના જણાવ્યા અનુસાર, આ ફોન જ ઘટના પાછળના સાચા કારણો અને કયા સંજોગોમાં એક પિતા આટલો ક્રૂર બન્યો તે અંગેના રહસ્યો પરથી પડદો ઉઠાવશે.
પ્રાથમિક તપાસમાં આ ભયાનક હત્યાકાંડ પાછળ નાઝિમ જ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સામાજિક સ્તરે આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું કોઈ વ્યક્તિ માનસિક રીતે એટલો વિકૃત થઈ શકે કે તેને પોતાના જ પેટના જણ્યા પર દયા ન આવે? હાલમાં પોલીસ આ મામલે કૌટુંબિક કલેશ કે અન્ય કોઈ આર્થિક પાસાઓ જવાબદાર છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
