તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
વુહાન લેબ પર તુલસી ગેબાર્ડનો સનસનાટીભર્યો વિસ્ફોટ: "અમેરિકાના ટોચના વૈજ્ઞાનિક એન્થોની ફૌસીએ કોરોના વાયરસ બનાવનારી ચીની લેબને આપ્યું હતું મિલિયનોનું ફંડ!"
ટ્રમ્પ વહીવટીતંત્રના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપતા જ ગેબાર્ડે ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા; યુએસ કોંગ્રેસમાં શપથ લઈને સફેદ જૂઠું બોલવાનો અને 'ડીપ સ્ટેટ' કાવતરાનો ફૌસી પર સીધો આરોપ

વોશિંગ્ટન : વિશ્વભરમાં કરોડો લોકોનો ભોગ લેનારા કોવિડ-19 (કોરોનાવાયરસ) મહામારીના ઉદ્ભવને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો આંતરરાષ્ટ્રીય ખુલાસો સામે આવ્યો છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ (રાષ્ટ્રીય ગુપ્તચર) ના વડા તુલસી ગેબાર્ડે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે કેટલાક અતિ ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને આખી દુનિયાને હચમચાવી દીધી છે. ગેબાર્ડનો દાવો છે કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના મુખ્ય તબીબી સલાહકાર રહી ચૂકેલા ડૉ. એન્થોની ફૌસીએ ચીનની તે વિવાદાસ્પદ વુહાન લેબને ફંડ પૂરું પાડ્યું હતું, જ્યાં આ જીવલેણ વાયરસ તૈયાર થયો હોવાની આશંકા છે.
અમેરિકન કરદાતાઓના પૈસાથી ચીનમાં ખતરનાક વાયરસનું સંશોધન!
તુલસી ગેબાર્ડ દ્વારા સાર્વજનિક કરાયેલા ક્લાસિફાઇડ દસ્તાવેજો અનુસાર, ડૉ. એન્થોની ફૌસીએ અમેરિકાના સામાન્ય નાગરિકોના ટેક્સના લાખો ડોલર ચીનની 'વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી' (WIV) માં મોકલ્યા હતા. આ ભંડોળનો ઉપયોગ ચામાચીડિયામાં જોવા મળતા કોરોનાવાયરસ પર અત્યંત જોખમી 'ગેઇન-ઓફ-ફંક્શન' (વાયરસની તાકાત અને ફેલાવવાની ક્ષમતા વધારવા માટેનું સંશોધન) કરવા માટે કરવામાં આવ્યો હતો. વર્ષ 2020 માં જ્યારે અમેરિકામાં કોરોના ફાટી નીકળ્યો, ત્યારે ફૌસી પોતે જ દેશની કોવિડ વ્યૂહરચનાનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે હવે એક મોટા હિતોના ટકરાવ (કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ) તરફ ઈશારો કરે છે.
યુએસ સંસદમાં જૂઠું બોલ્યા અને પુરાવા દબાવ્યા: ગેબાર્ડનો ગંભીર આરોપ
ગેબાર્ડના કાર્યાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં ફૌસી પર સીધો પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે, "ડૉ. ફૌસીએ વર્ષ 2024 માં યુએસ કોંગ્રેસ (સંસદ) સમક્ષ શપથ લઈને સફેદ જૂઠું બોલ્યા હતા. તેમણે ગુપ્તચર અધિકારીઓ સાથે કોરોનાના સંશોધન અંગે થયેલી વાતચીતો સદંતર નકારી કાઢી હતી." ગેબાર્ડનો આરોપ છે કે ફૌસીએ રાજકીય રીતે પ્રેરિત અધિકારીઓ અને ગુપ્તચર સમુદાયના ચોક્કસ તત્વો સાથે મળીને 'લેબ લીક' થી વાયરસ ફેલાયો હોવાના પુરાવા જાણીજોઈને દબાવી દીધા હતા, જેથી તેમનું આ કાળું પ્રકરણ દુનિયા સામે ન આવી જાય. આ માટે તેમણે કોરોનાને કુદરતી રીતે ફેલાયેલો વાયરસ ગણાવીને વિશ્વને ગેરમાર્ગે દોર્યું હતું.
સત્ય બોલનારા નિષ્ણાતોની કારકિર્દી બરબાદ કરાઈ: 'ડીપ સ્ટેટ' પ્લેબુક
આ સનસનાટીભર્યા ખુલાસામાં એ પણ બહાર આવ્યું છે કે જે વ્હિસલબ્લોઅર્સ, વૈજ્ઞાનિકો કે તબીબી નિષ્ણાતોએ ડૉ. ફૌસીના આ જુઠ્ઠાણાને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારવાનો પ્રયાસ કર્યો, તેમને ડરાવવામાં-ધમકાવવામાં આવ્યા હતા અને તેમની આખી કારકિર્દી બરબાદ કરી નાખવામાં આવી હતી. ગેબાર્ડે આ સમગ્ર ઘટનાક્રમને અમેરિકાના કથિત 'ડીપ સ્ટેટ' (સરકાર પાછળ કામ કરતી અદ્રશ્ય શક્તિઓ) નું કાવતરું ગણાવ્યું છે. લગભગ 38 વર્ષ સુધી અમેરિકાની ટોચની હેલ્થ એજન્સી (NIAID) નું નેતૃત્વ કરનાર 85 વર્ષીય ડૉ. એન્થોની ફૌસી હવે આ ગંભીર વૈશ્વિક આરોપોના સકંજામાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે તુલસી ગેબાર્ડે તાજેતરમાં જ ટ્રમ્પ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે અંગત કારણો આપતા જણાવ્યું હતું કે તેમના પતિ કેન્સર સામે જંગ લડી રહ્યા હોવાથી તેઓ પરિવારને સમય આપવા માંગે છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
