તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
"કેટલાક લોકોના ખોટા કાર્યોથી ગ્લોબલ ટેલેન્ટ ઇકોસિસ્ટમની સખત મહેનત અને વિશ્વસનીયતા પર દાગ લાગી શકે છે": યુએસ PERM વિવાદ વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની સણસણતી ચેતવણી!
ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટમાં પારદર્શિતા, નૈતિકતા અને જવાબદારી જાળવવા ભારપૂર્વક આહ્વાન: અમેરિકા દ્વારા આઈટી કંપનીઓ સામે લેવાયેલા પગલાં વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય પ્રોફેશનલ્સના યોગદાનનો કર્યો સબળ બચાવ

નવી દિલ્હી, તા.૧૨: યુનાઇટેડ સ્ટેટ્સ (US) ના શ્રમ વિભાગ દ્વારા ભારતની અગ્રણી આઈટી કંપનીઓને કાયમી શ્રમ પ્રમાણપત્ર (PERM) કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કર્યા બાદ નિર્માણ થયેલી ગંભીર સ્થિતિ વચ્ચે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 'ગ્લોબલ સ્કિલ્સ મોબિલિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા' (GSMAI) ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા વિદેશ સચિવે ચેતવણી આપી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ ટેલેન્ટ ઇકોસિસ્ટમમાં કામ કરતી વખતે પારદર્શિતા, નૈતિકતા અને ઉચ્ચ ધોરણો જાળવવા અત્યંત જરૂરી છે, કારણ કે મુઠ્ઠીભર લોકોની ગેરરીતિ કે ખોટા કાર્યોના કારણે આખી સિસ્ટમની વિશ્વસનીયતા જોખમમાં મુકાઈ શકે છે.
વિદેશ સચિવે આંતરરાષ્ટ્રીય ભરતી પ્રક્રિયામાં થતા શોષણ, છેતરપિંડી અને કૌશલ્ય મેળ ન ખાવાના જોખમો પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રતિભા ગતિશીલતા (ટેલેન્ટ મોબિલિટી) માં માત્ર આંકડા કે કાગળો નહીં, પરંતુ વાસ્તવિક માનવીઓ, તેમની આકાંક્ષાઓ અને તેમની આજીવિકા જોડાયેલી છે. તેમણે નવી સંસ્થાને પોતાના ધોરણો ઉચ્ચ રાખવા વિનંતી કરી હતી જેથી ભારતની પ્રતિભાનું શોષણ ન થાય અને વિદેશી તકો દેશના આર્થિક વિકાસમાં સકારાત્મક યોગદાન આપી શકે.
બીજી તરફ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ, કોગ્નિઝન્ટ અને કેપજેમિની જેવી ભારતીય અને માઇક્રોસોફ્ટ જેવી ગ્લોબલ કંપનીઓ સામે કાયમી શ્રમ પ્રમાણપત્ર અરજીઓ સ્થગિત કરવાના નિર્ણય પર ભારતના વિદેશ મંત્રાલયે (MEA) કડક પ્રતિભાવ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે PERM અને H-1B વિઝા પ્રક્રિયા બંને અલગ-અલગ છે. યુએસના આ નિર્ણયથી હાલના H-1B વિઝા ધારકોની માન્યતા કે સ્ટેટસ પર કોઈ જ અસર નહીં પડે, પરંતુ કર્મચારીઓની કાયમી રહેઠાણ (ગ્રીન કાર્ડ) પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને પ્રતિભાઓએ યુએસ કંપનીઓની નવીનતા, સંશોધન, સ્પર્ધાત્મકતા અને રોજગાર સર્જનમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સહિયારી મહત્વાકાંક્ષાઓને આગળ ધપાવવામાં ટેલેન્ટ મોબિલિટી અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી વોશિંગ્ટન દ્વારા જાહેર કરવામાં આવેલા આ પ્રકારના કડક અને અણધાર્યા પગલાં બંને દેશોના પરસ્પર હિતો અને સહિયારી વિઝનને અનુરૂપ નથી.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
