<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

વાહ! પ્રેમ હોય તો આવો... કેન્‍સરથી પીડાતી પત્‍નીના વાળ ખરી ગયા તો પતિએ પણ માથું મુંડાવી લીધું

જીવનમાં સૌથી આકરા સમયમાં પ્રેમ, સારસંભાળ અને સમજદારી સૌથી સશક્‍ત અભિવ્‍યક્‍તિ છે

નવી દિલ્‍હી તા.૨૦: કેન્‍સર એક એવી બીમારી છે જે પીડિત વ્‍યક્‍તિને માનસિક અને શારીરિક રીતે ભાંગી નાખે છે. એવામાં ઇન્‍સ્‍ટાગ્રામ પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્‍સર પીડિત એક મહિલાનો પતિ પોતાની પત્‍નીને સ્‍પેશિયલ ફીલ કરાવવા માટે પોતાના માથાના વાળ પણ ઉતરાવી નાખે છે અને માથે મુંડન કરાવી લે છે.

કેન્‍સર પીડિત મહિલાનું નામ નમ્રતા નિતિન ગોયલ છે અને કિમોથેરેપીના કારણે તેના માથાના વાળ ખરી ચૂક્‍યા છે. એવામાં પતિએ પોતાની પત્‍નીનો સાથ આપવા માટે માથાના વાળ ઉતરાવી નાખ્‍યા.

ઇન્‍સ્‍ટાગ્રામ પર ગોયલે વીડિયો શેર કરતા લખ્‍યું, તે માત્ર તારું માથું જ નથી મુંડાવ્‍યું, પરંતુ મારું દુઃખ પણ પોતાની સાથે વહેંચ્‍યું છે.

વીડિયોમાં તેમના પતિ પોતાનું માથું મુંડાવતા જોઈ શકાય છે. જેને જોઈને સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ વખાણ કરી રહ્યાં છે અને તેને પ્રોત્‍સાહન આપી રહ્યાં છે. યુઝર્સે લખ્‍યું કે જીવનમાં સૌથી આકરા સમયમાં પ્રેમ, સારસંભાળ અને સમજદારી સૌથી સશક્‍ત અભિવ્‍યક્‍તિ છે. જણાવી દઈએ કે, કેન્‍સરની સારવાર દરમિયાન કીમોથેરેપી એક ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા છે. જેમાં દર્દીના માથાના વાળ ખરી જાય છે. હાલમાં જ ગોયલે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કીમોથેરેપી પછી વાળ ખરવાનો પીડાદાયક અનુભવ જણાવ્‍યો હતો. તેણે કહ્યું, હેલ્‍લો મિત્રો, રાધે રાધે, તો મારી બીજી કીમોથેરેપી પછી મારા વાળ ખરવા લાગ્‍યા. ખૂબ જ વધારે મતલબ ખૂબ જ વધારે અને મારું માથું એટલું સંવેદનશીલ થઈ ગયું કે તેમાં દુઃખાવો થવા લાગ્‍યો હતો. જ્‍યારે વાળ ખરતા હતા, તો દુઃખાવો વધી જતો.

તેઓએ આગળ કહ્યું, આ માટે મેં મારા પતિને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે હું પોતાનું માથું મુંડાવી લઉં. તેના વગર કામ નહીં ચાલે. મેં મારા પતિને કહ્યું, શું તમે મારી મદદ કરી શકો છો?

ગોયલે આગળ જણાવ્‍યું કે, તેના માટે એ ક્ષણ કેટલી મુશ્‍કેલ હતી. જો કે તેને ખબર હતી કે વાળ ખરવાના છે.

તેઓએ આગળ કહ્યું, જ્‍યારે મારા પતિ મારી મદદ કરી રહ્યાં હતા, ત્‍યારે પણ મારા માથામાં ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો હતો. જ્‍યારે તે મારા માથા પર ટ્રિમર ચલાવી રહ્યાં હતા. મને તકલીફ થઈ રહી હતી અને મને લાગે છે કે, જિદગીમાં કેટલીક વસ્‍તુઓ એવી હોય છે, જેના માટે આપણે ક્‍યારેય તૈયાર નથી હોતા. મને ખબર હતી કે આવું થશે. મને ખબર હતી કે વાળ ખરશે. બધા વાળ જતા રહેશે. પરંતુ છતાં પણ હું તેના માટે તૈયાર નહોતી. હું રડી તો નહીં, પરંતુ ખૂબ જ દુઃખી હતી.

(10:30 AM IST)