<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

૨૫ વર્ષમાં સૌથી ખરાબ સપ્‍ટેમ્‍બર! ૫ કારણોને લીધે ઘટાડો અટકતો નથી

ક્રૂડ મોંઘુ, બોન્‍ડ યીલ્‍ડ ઊંચી અને જિયોપોલિટિકલ તણાવના કારણે રિકવરીનો મોકો મળી રહ્યો નથી

નવી દિલ્‍હી,તા.૩૦: ભારતીય શેરબજારમાં  સતત દબાણના કારણે સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ની સીરીઝ નિફટી માટે ગત ૨૫ વર્ષોમાં સૌથી ખરાબ બનતી દેખાઈ રહી છે. સપ્‍ટેમ્‍બરમાં હજુ સુધી નિફટી લગભગ ૬.૭ ટકા તૂટી ચૂક્‍યો છે. આ પહેલા સપ્‍ટેમ્‍બર ૨૦૨૦માં નિફટીમાં ૬.૫ ટકાનો ઘટાડો આવ્‍યો હતો, જ્‍યારે સપ્‍ટેમ્‍બર ૨૦૧૮માં તે ૬ ટકા તૂટ્‍યો હતો. આ પહેલા ૨૦૦૧માં સપ્‍ટેમ્‍બરનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જ્‍યારે ઈન્‍ડેક્‍સ ૧૬ ટકા તૂટ્‍યો હતો. બજાર પર હાલ એકસાથે ઘણા કારણો છે, જેના કારણે રિકવરીનો મોકો મળી રહ્યો નથી. આવો એક નજર કરીએ મુખ્‍ય ૫ કારણો પર.

બ્રેન્‍ટ ક્રૂડ ૧૦૫ ડોલર પ્રતિ બેરલની ઉપર છે. ગત ૬ મહિનામાં ક્રૂડ ઓઈલની કિમત લગભગ ૧૧ ટકા અને ગત એક વર્ષમાં ૭૭ ટકા વધી છે. જિયોપોલિટિકલણ તણાવના કારણે ક્રૂડ ઊંચા સ્‍તર પર છે અને અમેરિકી ઈરાણ વચ્‍ચે વાતચીતને લઈને હાલ કોઈ ઠોસ અપડેટ આવ્‍યું નથી. તેની સાથે જ બોન્‍ડ યીલ્‍ડમાં પણ ઝડપી વધારો બજાર પર દબાણ બનાવી રહ્યો છે. US ૧૦-વર્ષની ટ્રેઝરી યીલ્‍ડ લગભગ ૨૦ વર્ષોના સૌથી ઊંચા સ્‍તર પર છે, જ્‍યારે ૩૦- વર્ષની યીલ્‍ડ લગભગ ૨૫ વર્ષોના ઉચ્‍ચતમ સ્‍તર પર પહોંચી ગઈ છે. મોંઘુ ક્રૂડ અને ઊંચી યીલ્‍ડ બંને મળીને શેરબજાર પર દબાણ વધારી રહી છે.

વિદેશી સંસ્‍થાગત રોકાણકારો એટલે કે, FIIsનું સતત વેચાણ બજારની બીજી મોટી ચિતા છે. ૨૦૨૬માં હજુ સુધી FIIs ભારતીય કેશ માર્કેટથી લગભગ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એટલે કે, ૨૬ અબજ ડોલરનું વેચાણ કરી ચૂક્‍યા છે. આ વર્ષે ૯ મહિનામાં ૬ મહિના આવું રહ્યું છે, જ્‍યારે FIIsનો નેટ આઉટફલો રહ્યો. માર્ચમાં સૌથી વધારે લગભગ ૧.૧૮ લાખ કરોડ રૂપિયાનું માસિક વેચાણ થયું હતું. જુલાઈ અને ઓગસ્‍ટમાં FII ઈનફલો જોવા મળ્‍યો હતો, પરંતુ સપ્‍ટેમ્‍બરમાં આ વલણ ફરી પલટાઈ ગયું છે.

ડોલરની સામે રૂપિયામાં કમજોરી પણ બજાર માટે એક અન્‍ય દબાણ છે. સપ્‍ટેમ્‍બરમાં હજુ સુધી રૂપિયો લગભગ ૧ ટકા નબળો થયો છે. જ્‍યારે ૨૦૨૬માં હજુ સુધી આમાં ૭ ટકા ઘટાડો આવી ચૂક્‍યો છે. રૂપિયો હવે ૯૬ રૂપિયા પ્રતિ ડોલરના સ્‍તર પર છે, જ્‍યારે ૩૧ ઓગસ્‍ટ ૨૦૨૬ના રોજ તે ૯૫.૧૬ અને ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ લગભગ ૯૦ રૂપિયા પ્રતિ ડોલર પર હતો. કમજોર રૂપિયાની કંપનીઓ પર અસર અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ જો રૂપિયામાં તેજ અને અસ્‍થિર ઘટાડો હોય તો તે સામાન્‍ય રીતે બજાર પર દબાણનું કારણ બને છે. વર્તમાન સ્‍થિતિમાં રૂપિયાની કમજોરી એટલા માટે મહત્‍વપૂર્ણ છે, કારણ કે તે ઊંચી બોલ્‍ડ યીલ્‍ડ અને મોંઘા ક્રૂડ સાથે જોવા મળી રહી છે.

બજારમાં IPO અને બ્‍લોક ડીલની મોટી સંખ્‍યા પણ લિક્‍વિડિટી પર અસર કરી રહી છે. ૨૦૨૬માં હજુ સુધી લગભગ ૧૦૦ મેનબોર્ડ IPO આવી ચૂક્‍યા છે, જેની કૂલ વેલ્‍યૂ લગભગ ૧.૧૩ લાખ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત લગભગ ૧ લાખ કરોડ રૂપિયાની બ્‍લોક ડિલ પણ થઈ ચૂકી છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ સુધી બ્‍લોક ડિલ લગભગ ૮૮,૧૫૦ કરોડ રૂપિયાની રહી છે, જ્‍યારે આખા ૨૦૨૫માં આ આંકડો લગભગ ૧.૨૩ લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે, આ વર્ષે હજુ સુધી થયેલી બ્‍લોક ડીલની વેલ્‍યૂ ગત આખા વર્ષના સ્‍તરની નજીક પહોંચી ચૂકી છે.

બજાર પર દબાણ વધારનારા ૫ મોટા કારણોમાં વ્‍યાજ દરોમાં વધારાની પણ શક્‍યતા છે. વર્તમાન અંદાજો પ્રમાણે, આ વર્ષે અમેરિકી ફેડરલ રિઝર્વ તરફતી ૨ અન્‍ય રેટ હાઈકની શક્‍યતા દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અંદાજોમાં RBI તરફથી પણ ઓક્‍ટોબરની પોલિસીમાં દર વધારવામાં આવે તેવી આશા છે.

(9:50 AM IST)