News of Friday, 24th April 2026
શેરબજારના રોકાણકારો માટે ચિંતાના સમાચાર: એક જ મહિનામાં HSBC એ બીજી વાર ભારતનું રેટિંગ ઘટાડ્યું; તેલના વધતા ભાવ અને યુદ્ધના પડછાયા નડ્યા
ભારતીય બજાર પર ‘મંદી’ના વાદળો: HSBC એ ભારતને ‘અંડરવેઇટ’ કેટેગરીમાં મૂક્યું; ચીન અને હોંગકોંગ તરફ રોકાણકારો વળે તેવી શક્યતા, જાણો શું છે કારણો

મુંબઈ : ભારતીય શેરબજાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી માઠા સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ બ્રોકરેજ હાઉસ HSBC સિક્યોરિટીઝે માત્ર એક જ મહિનાની અંદર બીજી વખત ભારતીય શેરબજારના રેટિંગમાં ઘટાડો (Downgrade) કર્યો છે. મધ્ય પૂર્વમાં યુએસ-ઈરાન વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવને કારણે ભારતની આર્થિક રિકવરી સામે જોખમ ઊભું થયું હોવાનું બ્રોકરેજે નોંધ્યું છે.
‘ઓવરવેઇટ’ થી સીધા ‘અંડરવેઇટ’ તરફ
૩૧ માર્ચ સુધી ભારત માટે હકારાત્મક અભિગમ રાખનાર HSBC એ પહેલા પોતાનું વલણ ‘ન્યુટ્રલ’ કર્યું હતું અને હવે ૨૩ એપ્રિલના અહેવાલમાં ભારતને ‘અંડરવેઇટ’ રેટિંગ આપી દીધું છે. આનો અર્થ એ છે કે વિદેશી રોકાણકારો હવે ભારતીય બજારમાં રોકાણ ઘટાડી શકે છે. HSBC ની સાથે ગોલ્ડમેન સૅક્સ અને નોમુરા જેવા અન્ય મોટા બ્રોકરેજ હાઉસે પણ ભારતીય ઇક્વિટી પર પોતાનો ભરોસો ઓછો કર્યો છે.
ક્રૂડ ઓઈલ અને ફુગાવાનો ડબલ એટેક
બજારમાં મંદીના આશંકા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના ભાવ છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં $૧૦૦ પ્રતિ બેરલની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી તેલના ભાવ વધતા ફુગાવો વધશે અને સ્થાનિક માંગમાં ઘટાડો થશે. HSBC મુજબ, રાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે, જે ૨૦૨૬ની કમાણી પર નકારાત્મક અસર કરશે.
વિદેશી રોકાણકારોનો સાથ છૂટ્યો?
વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ ભારતીય બજારમાંથી અંદાજે ૧૮.૫ બિલિયન ડોલરના શેર વેચી દીધા છે. રૂપિયો નબળો પડવાનું જોખમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને કારણે સોફ્ટવેર સર્વિસ સેક્ટરમાં અનિશ્ચિતતાએ રોકાણકારોના મનમાં ફાળ પાડી છે. બીજી તરફ, HSBC હવે ભારતને બદલે ચીન, હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશો પર વધુ આશાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે.
બેન્કિંગ ક્ષેત્ર પર પણ ખતરો
મોંઘવારી વધવાને કારણે માંગમાં ઘટાડો થશે તો બેન્કિંગ ક્ષેત્રમાં બિન-કાર્યક્ષમ લોન (NPL) એટલે કે બેડ લોન વધવાની શક્યતા છે. આ સંજોગોમાં રોકાણકારોએ અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવી રહી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
