તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
SBI ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓનું હડતાળનું એલાન, સતત ૪ દિવસ બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે
મેનેજમેન્ટ સામે 'આરપાર'ના મૂડમાં કર્મચારી સંગઠનો: ૧૬ પડતર માંગણીઓ સાથે ૨૫ અને ૨૬ મેના રોજ આંદોલનનું રણશિંગુ, સુરક્ષા ગાર્ડની અછત અને પેન્શનના મુદ્દે વિરોધ તેજ

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકોએ આગામી મે મહિનાના અંતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) એ મેનેજમેન્ટ સામે પોતાની પડતર માંગણીઓ અને કરારોના ઉલ્લંઘન બદલ ૨૫ અને ૨૬ મેના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ગુજરાતના હજારો કર્મચારીઓ આ આંદોલનમાં જોડાતા બેંકિંગ કામગીરી પર તેની મોટી અસર જોવા મળશે.
સતત ૪ દિવસ રજા જેવો માહોલ
આ હડતાળને કારણે ગુજરાતમાં બેંકિંગ વ્યવહાર સતત ચાર દિવસ સુધી ઠપ્પ રહેવાની ભીતિ છે. ૨૪ મેના રોજ રવિવારની રજા છે, ત્યારબાદ ૨૫ અને ૨૬ મેના રોજ હડતાળ રહેશે. વળી, ૨૭ મેના રોજ ઈદ-ઉલ-અધા (બકરી ઈદ) ની જાહેર રજા હોવાથી બેંકો બંધ રહેશે. આમ, સળંગ ચાર દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેવાથી રોકડ વ્યવહાર અને ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ પર ગંભીર અસર પડી શકે છે.
શા માટે કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર?
યુનિયન નેતાઓના જણાવ્યા અનુસાર, બેંક મેનેજમેન્ટ સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો નિષ્ફળ રહી છે. ફેડરેશને કુલ ૧૬ માંગણીઓ રજૂ કરી છે, જેમાં નીચેના મુદ્દાઓ મુખ્ય છે:
• વેતન સમાનતા: કામદારો અને અધિકારીઓ વચ્ચે વેતન સુધારણામાં સમાનતાની માંગ.
• પેન્શન મુદ્દો: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં તમામ પગાર ઘટકોનો સમાવેશ.
• ભરતી: છેલ્લા ૩૦ વર્ષથી અટકેલી મેસેન્જર્સની ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરવી.
• સુરક્ષા: બેંકની શાખાઓમાં સશસ્ત્ર ગાર્ડની નિમણૂક કરવી.
સુરક્ષા અંગે ગંભીર સવાલો
તાજેતરમાં સુરતની SBI શાખામાં થયેલી લૂંટની ઘટના બાદ કર્મચારીઓમાં સુરક્ષાને લઈને ભારે ફાળ પડી છે. યુનિયને આક્ષેપ કર્યો છે કે શાખાઓમાં સશસ્ત્ર રક્ષકોની ભારે અછત છે, જેના કારણે સ્ટાફ અને ગ્રાહકો બંનેના જીવ જોખમમાં મુકાય છે. હડતાળના સમર્થનમાં કર્મચારીઓ દ્વારા લંચ ટાઈમ પ્રદર્શન અને સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવ્યા છે. આ મુદ્દે યુનિયન દ્વારા વડાપ્રધાન અને નાણામંત્રીને પણ આવેદનપત્ર પાઠવવાની તૈયારીઓ કરવામાં આવી છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
