News of Thursday, 7th May 2026
અમેરિકા ભણવા જવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાના સમાચાર: ટ્રમ્પ સરકાર લાવી શકે છે વિઝાનો નવો નિયમ, ૪ વર્ષમાં જ ખતમ થઈ જશે સ્ટેટસ!
'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' સિસ્ટમ નાબૂદ કરવાની તૈયારી: હવે અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી રોકાવાની આઝાદી નહીં મળે? F-1 વિઝા ધારકો પર લટકતી તલવાર, જાણો શું છે આખી યોજના

વોશિંગ્ટન,: અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાની ઈચ્છા રાખતા લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન એક એવા નવા નિયમ પર વિચાર કરી રહ્યું છે જે વિદેશી વિદ્યાર્થીઓના અમેરિકામાં રોકાવાના સમયગાળાને મર્યાદિત કરી શકે છે. વ્હાઇટ હાઉસના બજેટ ઓફિસમાં હાલમાં આ પ્રસ્તાવની આખરી સમીક્ષા ચાલી રહી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ હવે દર ચાર વર્ષે પોતાના લીગલ સ્ટેટસનું નવીનીકરણ (Renew) કરાવવું પડી શકે છે.
શું છે હાલનો નિયમ અને નવો પ્રસ્તાવ?
અત્યાર સુધી અમેરિકામાં 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' (Duration of Status) સિસ્ટમ અમલમાં છે. આનો અર્થ એ છે કે એકવાર વિદ્યાર્થીને F-1 વિઝા મળી જાય, તો તે જ્યાં સુધી પોતાનો અભ્યાસ ચાલુ રાખે ત્યાં સુધી અમેરિકામાં રહી શકે છે. પરંતુ નવા પ્રસ્તાવ મુજબ, આ સિસ્ટમ ખતમ કરીને ફિક્સ્ડ ટર્મ (ચોક્કસ સમયગાળો) નક્કી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીનો કોર્સ ૪ વર્ષથી વધુ ચાલતો હોય, તો પણ તેણે ૪ વર્ષ પછી ફરીથી વિઝા સ્ટેટસ માટે અરજી કરવી પડશે.
કોને થશે સૌથી વધુ અસર?
આ ફેરફાર માત્ર F-1 સ્ટુડન્ટ વિઝા ધારકોને જ નહીં, પરંતુ J-1 એક્સચેન્જ વિઝિટર અને વિદેશી મીડિયાના પ્રતિનિધિઓ (I વિઝા) ને પણ અસર કરશે. બ્લૂમબર્ગ લો ના અહેવાલ મુજબ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ આ નિયમનો અંતિમ ડ્રાફ્ટ વ્હાઇટ હાઉસને મોકલી દીધો છે. જો આ નિયમ અમલમાં આવે છે, તો મેડિકલ કે પીએચડી (PhD) જેવા લાંબા ગાળાના કોર્સ કરતા વિદ્યાર્થીઓ માટે કાગળની કાર્યવાહી અને અનિશ્ચિતતામાં વધારો થશે.
વિરોધ અને ઘટતી સંખ્યા
અમેરિકાની ઘણી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આવા કડક નિયમોથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકા આવવાનું ટાળશે. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી અમેરિકન યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં પહેલેથી જ ઘટાડો જોવા મળી રહ્યો છે. નેશનલ સ્ટુડન્ટ ક્લિયરિંગહાઉસના ડેટા મુજબ, ત્રણ વર્ષમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હવે જો વિઝાના નિયમો વધુ કડક બનશે, તો અમેરિકામાં શિક્ષણ મોંઘું અને જટિલ બની શકે છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
