<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

દુનિયાનો અનોખો સરહદી બીચ: જ્યાં પુરુષો અને મહિલાઓ વચ્ચે ઊભી છે ૧૨૦ વર્ષ જૂની દીવાલ! જાણો સાથે નાહવા પર પ્રતિબંધ પાછળનું રસપ્રદ કારણ

ઇટાલીના આ દરિયાકિનારે નિયમો તોડવા બદલ થાય છે કાનૂની ગુનો, તાજેતરમાં પતિ અને દિવ્યાંગ પુત્રની મદદ કરવા ગયેલી મહિલા પર પુરુષોએ મચાવ્યો ભારે હંગામો

રોમ, તા.૦૬: દુનિયાભરના દરિયાકિનારા (બીચીસ) સામાન્ય રીતે મુક્ત અને બેફિકર જીવનશૈલી તેમજ સમુદ્રના મોજાંની મજા માણવા માટે જાણીતા છે. પરંતુ, શું તમે ક્યારેય એવા અનોખા બીચ વિશે સાંભળ્યું છે જ્યાં પુરુષો અને મહિલાઓનું એકસાથે નાહવું કે સૂર્યસ્નાન (સનબાથ) કરવું એ કાયદેસર ગુનો ગણાય છે? યુરોપના દેશ ઇટાલીના એડ્રિયાટિક કિનારે આવેલા ટ્રાયસ્ટે શહેરમાં "એલ પેડોસિન" (El Pedocin) નામનો એક એવો અનોખો બીચ આવેલો છે, જે લિંગ-વિભાજિત (જેન્ડર સેગ્રેગેટેડ) હોય તેવો વિશ્વનો એકમાત્ર અને યુરોપનો છેલ્લો બીચ છે.
૧૨૦ વર્ષ જૂની ૯ ફૂટ ઊંચી દીવાલનું રહસ્ય
આ અનોખા બીચની કહાની વર્ષ ૧૯૦૩ માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને આજ દિન સુધી, આ બીચની બિલકુલ વચ્ચે ૯ ફૂટ (આશરે ૨.૭ મીટર) ઊંચી સફેદ કોંક્રિટની દીવાલ ચણેલી છે. આ દીવાલ આખા બીચને બે સરખા ભાગમાં વહેંચે છે – એક ભાગ માત્ર મહિલાઓ માટે અને બીજો ભાગ માત્ર પુરુષો માટે આરક્ષિત છે.
જ્યારે ૧૨૦ વર્ષ પહેલાં આ દીવાલ બનાવવામાં આવી હતી, ત્યારે તેનો મુખ્ય હેતુ મહિલાઓની પ્રાઇવસી (ગોપનીયતા) જાળવવાનો હતો, જેથી તેઓ કોઈ પણ પ્રકારના ડર, અચકાટ કે પુરુષોની નજર વિના પોતાની પસંદગીના કપડાં પહેરીને દરિયા કિનારાનો આનંદ માણી શકે. આ બીચ પરના નિયમો એટલા કડક છે કે બંને પક્ષો માટે પ્રવેશદ્વાર અને ચાલવાના રસ્તા પણ બિલકુલ અલગ રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન અહીં આવતા પ્રવાસીઓ પાસેથી આશરે ₹૧૫૦ ની એન્ટ્રી ફી પણ વસૂલે છે.
દીવાલ માત્ર રેતી પર નહીં, દરિયાના પાણીમાં પણ છે!
આ કોંક્રિટની દીવાલ માત્ર રેતાળ કિનારા સુધી જ સીમિત નથી, પરંતુ સમુદ્રના છીછરા પાણી સુધી લંબાયેલી છે. નિયમ મુજબ, જ્યારે લોકો ઊંડા પાણીમાં તરીને આગળ નીકળી જાય ત્યારે સાથે નાહવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ રેતાળ કિનારા પર એકબીજાના નિર્ધારિત વિસ્તારમાં પગ મૂકવાની પણ સખત મનાઈ છે.
બીચ પર સર્જાયો હાઇ-વોલ્ટેજ ડ્રામા: તાજેતરમાં જ આ કડક નિયમને કારણે બીચ પર ભારે હોબાળો મચી ગયો હતો. એક મહિલા અચાનક દોડતી પુરુષોના વિસ્તારમાં પ્રવેશી ગઈ હતી. કાયદાનો હવાલો આપીને ત્યાં હાજર પુરુષોએ તેને ચારેય તરફથી ઘેરી લીધી અને તાત્કાલિક પાછા જવા કહ્યું. આનાથી ગુસ્સે ભરાયેલી મહિલાએ પુરુષોને "રૂઢિચુસ્ત અને અજ્ઞાની" કહ્યા હતા.
હંગામા પાછળનું સાચું કારણ આવ્યું સામે
બાદમાં જ્યારે મામલો શાંત પડ્યો ત્યારે આ ઘટના પાછળની આખી હકીકત સામે આવી. તે મહિલા કોઈ નિયમ તોડવા કે મજાક કરવા નહોતી આવી, પરંતુ તે પોતાના પતિને તેમના દિવ્યાંગ (અપંગ) પુત્રના કપડાં બદલવામાં મદદ કરવા માટે માનવતાના નાતે પુરુષોના વિસ્તારમાં ગઈ હતી. જો કે, બીચના કડક નિયમોના નશામાં ચૂર પુરુષોએ આ લાચારીને પણ સ્વીકારી નહીં. આખરે મામલો બિચકતાં સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી અને મહિલાને ત્યાંથી બહાર કાઢીને મામલો થાળે પાડ્યો હતો.

(4:16 PM IST)