News of Monday, 28th September 2026
દુનિયાનો સૌથી ભયાનક ટ્રાફિક જામઃ ૧૦૦ કિલોમીટર લાંબી લાઈન
૧૨ દિવસ સુધી રસ્તા પર ફસાયા લોકોઃ જામને કારણે ચીનને આશરે ૧ અબજ યુઆનનું આર્થિક નુકસાન થયું હોવાનો દાવો

બીજીંગ,તા.૨૮: ટ્રાફિક જામમાં થોડી મિનિટો ફસાવાનો વારો આવે તો પણ હેરાન થઈ જવાય છે. આવી સ્થિતિમાં, કલ્પના કરો કે ટ્રાફિક જામના લીધે તમારે ૧૨ દિવસ સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડે. વર્ષ ૨૦૧૦માં ચીનમાં આવો જ એક ભયાનક ટ્રાફિક જામ થયો હતો. આ જામની લાઈન લગભગ ૧૦૦ કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી અને કેટલીક ગાડીઓ દિવસમાં માત્ર ૧ કિલોમીટર જેટલી જ આગળ વધી શકતી હતી. જેના કારણે ઘણા લોકોએ પોતાની ગાડીઓમાં જ દિવસ-રાત પસાર કરવા પડ્યા હતા
૧૨ દિવસ સુધી રસ્તા પર ફસાયા લોકો - વર્ષ ૨૦૧૦માં ચીનની રાજધાની બીજિગ નજીક બીજિંગ-તિબેટ એક્સપ્રેસવે એટલે કે ચાઇના નેશનલ હાઇવે ૧૧૦ પર આ ભયાનક જામ થયો હતો. અહેવાલો મુજબ, ૧૪ ઓગસ્ટ ૨૦૧૦ની આસપાસ શરૂ થયેલો આ જામ એટલો ગંભીર હતો કે વાહનોની કતાર લગભગ ૧૦૦ કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. ગાડીઓ કલાકો સુધી એક ઇંચ પણ આગળ વધી શકતી નહોતી. લાંબા અંતરની મુસાફરી કરી રહેલા લોકો રસ્તા પર જ ફસાઈ ગયા અને ઘણા ડ્રાઇવરોને પોતાની ગાડીના કેબિનમાં રાત પસાર કરવી પડી.
આટલો મોટો જામ કેમ થયો? - આ જામ પાછળ અનેક કારણો હોવાનું જણાવાય છે. તે સમયે એક્સપ્રેસવે પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું અને ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારે ટ્રકો આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. મંગોલિયા તરફથી બીજિંગ તરફ કોલસો અને બાંધકામ સામગ્રી લઈ જતા ટ્રકોની સંખ્યા પણ વધારે હતી. રસ્તા પર ઓછી જગ્યા, ભારે ટ્રાફિક અને કેટલાક વાહનો ખરાબ થઈ જવાથી સ્થિતિ વધુ વણસી હતી.
આખરે કેવી રીતે દૂર થયો જામ? - જામ વધતાં તંત્રએ નવા વાહનોને આ માર્ગ પર આવતા રોકવા અને તેમના રૂટ બદલવાના પ્રયાસ કર્યા. સાથે જ ફસાયેલા ટ્રકો અને ભારે વાહનોને બહાર કાઢવામાં આવ્યા તેમજ રસ્તા પર ખરાબ થયેલા વાહનો હટાવવામાં આવ્યા. અનેક દિવસોની કામગીરી બાદ ઓગસ્ટ ૨૦૧૦ના અંતિમ દિવસોમાં ટ્રાફિક ધીમે-ધીમે હળવો થયો હતો. આ ઘટનાની અસર સપ્લાય ચેન અને વેપાર પર પણ પડી હતી. કેટલાક અહેવાલોમાં આ જામને કારણે ચીનને આશરે ૧ અબજ યુઆનનું આર્થિક નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે, જોકે નુકસાનના આંકડા અલગ-અલગ અહેવાલોમાં અલગ જોવા મળે છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
