તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ઊંઘમાં કરડ્યો દુનિયાનો સૌથી ખતરનાક સાપ: ડરવાને બદલે મહિલાએ કર્યું ગજબનાક કામ :ડૉક્ટરો પણ ચોંકી ગયા
આદિવાસી મહિલાએ ભારે હિંમત અને હાજરબુદ્ધિનું પ્રદર્શન કર્યું : સાપ કરડ્યા પછી આ મહિલા ગભરાઈ નહીં, પણ સાપની સાચી ઓળખ થઈ શકે એટલા માટે અદભુત કામ કર્યું

ઓડિશાના માલકાનગિરી જિલ્લામાંથી એક એવી ચોંકાવનારી અને અદભુત ઘટના સામે આવી છે, જ્યાં એક આદિવાસી મહિલાએ ભારે હિંમત અને હાજરબુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સાપ કરડ્યા પછી આ મહિલા ગભરાઈ નહીં, પણ સાપની સાચી ઓળખ થઈ શકે તે માટે તે જીવતા સાપને જ પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરીને પોતાની સાથે હોસ્પિટલ લઈ ગઈ!
ઓડિશાના માલકાનગિરી જિલ્લાના કુરુમપલી ગામમાં રહેતી 38 વર્ષીય આદિવાસી મહિલા મણિમા નાઈક બુધવારની રાત્રે પોતાના ઘરમાં સૂતી હતી. આ દરમિયાન એક અત્યંત ઝેરીલા સાપે તેના પગમાં બચકું ભર્યું હતું. સામાન્ય રીતે આવા સમયે કોઈ પણ વ્યક્તિ ચીસાચીસ કરી મૂકે, પરંતુ મણિમાએ અદ્ભુત ધૈર્ય રાખ્યું. તે સહેજ પણ ડરી કે ગભરાઈ નહીં અને ખૂબ જ શાંતિથી તે સાપને પકડી લીધો. સાપને પકડ્યા બાદ તેણે તેને બિસ્કિટના એક ખાલી પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધો. ત્યારબાદ મણિમાએ પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી, જેઓ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે માથિલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા.
પ્રાથમિક સારવાર આપ્યા બાદ, મણિમાને વધુ અદ્યતન સારવાર માટે માલકાનગિરીની જિલ્લા મુખ્ય મથક હોસ્પિટલ માં રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ જોખમથી બહાર છે. જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે તે સાપને હોસ્પિટલ કેમ લાવી? ત્યારે તેણે જણાવ્યું કે તે ઈચ્છતી હતી કે ડૉક્ટરો સાપને જોઈને તરત જ ઓળખી લે કે તે ઝેરી છે કે નહીં, જેથી તેની સાચી સારવાર થઈ શકે.
માલકાનગિરી DHH ના ડોક્ટર પ્રફુલ્લ કુમાર બેહેરાએ જણાવ્યું કે, "દર્દી મણિમા નાઈકને બે દિવસ પહેલા અહીં લાવવામાં આવી હતી અને ગુરુવારે દાખલ કરવામાં આવી હતી. તેને તમામ જરૂરી સારવાર આપવામાં આવી છે. બ્લડ ટેસ્ટના રિપોર્ટ દર્શાવે છે કે તેના શરીરમાં હવે કોઈ ઝેર નથી. જો કે, સાપ કરડ્યો હતો તે ભાગમાં સામાન્ય ઈન્ફેક્શન થયું છે, જેને તબીબી ભાષામાં 'સેલ્યુલાઈટિસ' કહેવાય છે. સોજો વધતો અટકાવવા માટે તેને સર્જરી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે અને આગામી 2-3 દિવસમાં રિકવરી આવ્યા બાદ તેને રજા આપી દેવામાં આવશે."
ડૉક્ટરે વધુમાં ઉમેર્યું કે, "સામાન્ય રીતે ઝેરી સાપ બે પ્રકારના હોય છે - લોહી પર અસર કરતા અને ચેતા તંત્ર પર અસર કરતા. આ મહિલાને જે સાપે કરડ્યો હતો તે 'વાસ્ક્યુલોટોક્સિક' હતો, જે કરડેલા ભાગમાં સોજો અને ઈન્ફેક્શન પેદા કરે છે. ઝેરને દૂર કરી દેવાયું છે, બસ હવે ઈન્ફેક્શનની સારવાર ચાલુ છે."
સ્નેક હેલ્પલાઈનના સ્થાપક સુભેન્દુ મલ્લિકે આ ઘટના અંગે જણાવ્યું કે, "સાપને પકડીને ડોક્ટર પાસે લઈ જવો એ ખરેખર ખૂબ જ હિંમતભર્યું અને જોખમી કામ છે. આ સાપ 'રસેલ્સ વાઈપર' (ખડચિતળો) હતો, જે અત્યંત ઝેરી માનવામાં આવે છે. દુનિયામાં સાપ કરડવાથી થતા સૌથી વધુ મોત આ જ પ્રજાતિના કારણે થાય છે."
તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, "લોકોએ ક્યારેય પણ સાપને પકડવાનું આવું જોખમ ન લેવું જોઈએ. જો સાપ કરડે, તો હોસ્પિટલ જતા પહેલાં માત્ર તેનો એક ફોટો પાડી લેવો પૂરતો છે. સાપની ઓળખ થવાથી ડૉક્ટરો માટે સારવાર નક્કી કરવી સરળ બને છે, પણ તેના માટે જીવ જોખમમાં મૂકવો યોગ્ય નથી."
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
