તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સ ૨૦૨૬: સિંગાપોર એરલાઇન્સે કતાર એરવેઝને પછડાટ આપીને તાજ છીનવ્યો; એર ઈન્ડિયાની લાંબી છલાંગ સામે ઈન્ડિગોનો ધબડકો
સ્કાયટ્રેક્સના વાર્ષિક રેટિંગમાં એર ઈન્ડિયા ૨૭ સ્થાન સુધારી ૫૭મા ક્રમે પહોંચી: વૈશ્વિક સ્તરે ઈન્ડિગો ૨૨ સ્થાન પછડાતાં ૬૧મા ક્રમે સરી પડી

નવી દિલ્હી : વૈશ્વિક વિમાનમથકો અને એરલાઇન્સનું રેટિંગ કરતી વિશ્વસનીય સંસ્થા 'સ્કાયટ્રેક્સ' (Skytrax) દ્વારા વર્ષ ૨૦૨૬ માટેના ચર્ચિત 'વર્લ્ડ એરલાઇન એવોર્ડ્સ'ની ઘોષણા કરવામાં આવી છે. આ યાદીમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે, જેમાં સિંગાપોર એરલાઇન્સે કતાર એરવેઝને બીજા ક્રમે ધકેલીને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇનનો તાજ પોતાના નામે કરી લીધો છે. કેથે પેસિફિકે પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. વિશ્વભરના ૩૦૦થી વધુ એરલાઇન્સના લાખો મુસાફરોના પ્રત્યક્ષ પ્રતિસાદ, કેબિન સર્વિસ, એરપોર્ટ અનુભવ, સ્વચ્છતા અને ભોજનની ગુણવત્તાના આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
આ વૈશ્વિક રેન્કિંગમાં ભારતીય એરલાઇન્સના પ્રદર્શનમાં મિશ્ર ચિત્ર ઉપસી આવ્યું છે. તાજેતરના વર્ષોમાં પોતાની સેવાઓ અને કાફલામાં મોટા સુધારા કરી રહેલી એર ઈન્ડિયાએ ૨૭ સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. ૨૦૨૫માં ૮૪મા ક્રમે રહેલી એર ઈન્ડિયા આ વર્ષે ૫૭મા ક્રમે પહોંચીને ભારતની સૌથી શ્રેષ્ઠ એરલાઇન બની છે. બીજી તરફ, અત્યાર સુધી દબદબો ધરાવતી બજેટ એરલાઇન ઈન્ડિગોને ભારે ફટકો પડ્યો છે. ઈન્ડિગો ગયા વર્ષના ૩૯મા ક્રમથી ૨૨ સ્થાન નીચે સરીને ૬૧મા ક્રમે પહોંચી ગઈ છે.
દક્ષિણ એશિયામાં એર ઈન્ડિયાનો દબદબો, આકાસા અને સ્પાઈસજેટ પાછળ રહી ગયા
પ્રાદેશિક સ્તરે, સ્કાયટ્રેક્સે ભારત અને દક્ષિણ એશિયા (South Asia) ના ક્ષેત્રમાં એર ઈન્ડિયાને પ્રથમ સ્થાન આપ્યું છે, જ્યારે ઈન્ડિગો બીજા ક્રમે રહી છે. આ પ્રાદેશિક યાદીમાં આકાસા એર ત્રીજા, એર ઈન્ડિયા એક્સપ્રેસ ચોથા અને સ્પાઈસજેટ છઠ્ઠા ક્રમે રહી છે. જોકે, દક્ષિણ એશિયામાં પ્રથમ ક્રમે હોવા છતાં એર ઈન્ડિયા વૈશ્વિક સ્તરે હજુ પણ ટોચના ૫૦ ની બહાર છે. સ્કાયટ્રેક્સે સ્પષ્ટ કર્યું છે કે આ સર્વેમાં ૧૦૦થી વધુ દેશોના પ્રવાસીઓએ ભાગ લીધો હતો અને કડક ચકાસણી બાદ જ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
