તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ભારતીય પત્રકારોનો વિશ્વ વિજય: પત્રકારત્વ ક્ષેત્રનો સર્વોચ્ચ 'પુલિત્ઝર પ્રાઈઝ' જીતીને રચ્યો ઈતિહાસ, સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો કર્યો પર્દાફાશ!
આનંદ આરકે અને સુપર્ણા શર્માએ બ્લૂમબર્ગ માટે તૈયાર કરેલા રિપોર્ટે અમેરિકામાં મચાવી ધૂમ: લખનઉની મહિલા ડોક્ટર સાથે થયેલી ૨.૮ કરોડની છેતરપિંડીની હૃદયદ્રાવક વાર્તાએ અપાવ્યો એવોર્ડ

ન્યૂયોર્ક: ભારતીય પત્રકારત્વ અને કળા ક્ષેત્ર માટે એક અત્યંત ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અને પત્રકારત્વ જગતના 'નોબેલ' ગણાતા પુલિત્ઝર પ્રાઈઝ ૨૦૨૬ (Pulitzer Prize) ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય પત્રકારોએ મેદાન માર્યું છે. આનંદ આરકે અને સુપર્ણા શર્માને તેમની 'ઈલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ' શ્રેણીમાં સાયબર ક્રાઈમ પરના અદભૂત અહેવાલ માટે આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે.
સાયબર માફિયાઓના ખૌફનાક ખેલનો પર્દાફાશ
આનંદ આરકે અને સુપર્ણા શર્માએ બ્લૂમબર્ગ માટે તૈયાર કરેલા અહેવાલમાં લખનઉના ન્યુરોલોજીસ્ટ રુચિરા ટંડન સાથે થયેલી ભયાનક છેતરપિંડીની સત્ય ઘટનાને આબેહૂબ રીતે રજૂ કરી હતી. સાયબર ગુનેગારોએ અધિકારી બનીને રુચિરાને છ દિવસ સુધી 'હાઉસ અરેસ્ટ' (ડિજિટલ ધરપકડ) માં રાખી હતી અને તેમના બેંક ખાતામાંથી ૨.૮ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ અહેવાલે વિશ્વભરમાં વધી રહેલા ડિજિટલ સ્કેમ અને સર્વેલન્સના જોખમો સામે લાલબત્તી ધરી છે.
ચિત્રકલા અને પત્રકારત્વનો અદભૂત સંગમ
આનંદ આરકે, જેઓ મુંબઈ સ્થિત જાણીતા ઈલસ્ટ્રેટર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે, તેમણે આ ગંભીર ગુનાને ચિત્રો દ્વારા એટલી અસરકારક રીતે રજૂ કર્યો કે પુલિત્ઝર સમિતિ પ્રભાવિત થઈ ગઈ હતી. તેમની સાથે ફ્રીલાન્સ તપાસનીશ પત્રકાર સુપર્ણા શર્માએ માહિતી એકઠી કરીને સાયબર જગતના કાળા કારનામાઓને ઉજાગર કર્યા હતા. આ એવોર્ડ માત્ર સમાચાર માટે નહીં, પરંતુ તેની રજૂઆતની કલાત્મક શૈલી માટે પણ આપવામાં આવ્યો છે.
અન્ય ભારતીય પત્રકારોએ પણ ગજવ્યું મેદાન
પુલિત્ઝર પ્રાઈઝની આ યાદીમાં અન્ય ભારતીયોનો પણ દબદબો રહ્યો છે. અનિરુદ્ધ ઘોષાલને ઇન્ટરનેશનલ રિપોર્ટિંગ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમણે અમેરિકાના બોર્ડર પેટ્રોલ દ્વારા ઉપયોગમાં લેવાતા માસ-સર્વેલન્સ ટૂલ્સ અને તેની પાછળના સિલિકોન વેલી તેમજ ચીનના જોડાણને ખુલ્લું પાડ્યું હતું. આ ઉપરાંત, બેંગકોક સ્થિત દેવજ્યોત ઘોષાલ પણ સાયબર ક્રાઈમ અને માનવ તસ્કરીના અહેવાલ બદલ ફાઇનલિસ્ટ રહ્યા હતા. આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે ભારતીય પત્રકારો આજે વૈશ્વિક સ્તરે જટિલ મુદ્દાઓને ઉઠાવવામાં સૌથી આગળ છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
