<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

નાગપુરના ૧૭ વર્ષના 'ચમત્કારિક' કિશોરનો વર્લ્ડ રેકોર્ડ: વિશ્વનો સૌથી નાનો રોબોટિક હાથ બનાવીને હિતેન ધારપુરેએ ભારતનું નામ રોશન કર્યું!

માત્ર ૩૯.૨૫ મિલીમીટરનો અતિ સૂક્ષ્મ રોબોટિક હાથ બનાવીને તોડ્યો અમેરિકાનો રેકોર્ડ; ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં લગાવી સિદ્ધિઓની હેટ્રિક

નાગપુર : સામાન્ય રીતે ૧૭ વર્ષની ઉંમરે વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શન અને મિત્રો સાથેની મસ્તીમાં વ્યસ્ત હોય છે, પરંતુ મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી હિતેન ધારપુરેએ આ ઉંમરે કંઈક એવું કરી બતાવ્યું છે જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. 'સ્કૂલ ઓફ સ્કોલર્સ'માં અભ્યાસ કરતા આ આશાસ્પદ વિદ્યાર્થીએ વિશ્વનો સૌથી નાનો અને કાર્યરત રોબોટિક હાથ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.

હિતેનનો આ રોબોટિક હાથ માત્ર ૩૯.૨૫ મિલીમીટર (આશરે ૧.૫૪ ઇંચ) માપનો છે, જે એક નાની પેપરક્લિપ જેવડો જ છે. આ સિદ્ધિ સાથે તેણે અમેરિકાના ઇનોવેટર દ્વારા સ્થાપિત ૪૪.૪૯ મિલીમીટરના અગાઉના રેકોર્ડને તોડીને ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવી છે. હિતેનનું માનવું છે કે તેમનો આ પ્રોજેક્ટ વડાપ્રધાનના "વિકસિત ભારત" ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક નાનકડું પણ નોંધપાત્ર ડગલું છે.

ઘરની નાની વર્કશોપમાં જ રચ્યો ઇતિહાસ

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે હિતેને આ જટિલ એન્જિનિયરિંગ કોઈ અત્યાધુનિક લેબમાં નહીં, પણ પોતાના ઘરે બનાવેલી એક નાની વર્કશોપમાં કર્યું છે. હિતેન જણાવે છે કે, "હું સાબિત કરવા માંગતો હતો કે જટિલ માઇક્રો-લેવલ એન્જિનિયરિંગ માટે કરોડોના સાધનોની જરૂર નથી, માત્ર દ્રઢ નિશ્ચય અને સાદી ટેકનોલોજીથી પણ અશક્ય સિદ્ધિ મેળવી શકાય છે."

આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં તેને બે મહિનાનો સમય લાગ્યો હતો. અતિ સૂક્ષ્મ વાયરિંગ, નાની મોટર્સ અને કમ્પ્યુટર કોડિંગને આટલા નાના માળખામાં ફિટ કરવાનું કામ અત્યંત કઠિન હતું, જેમાં તેણે અનેક નિષ્ફળતાઓનો સામનો પણ કર્યો હતો. અંતે, ૩ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી અને CAD સોફ્ટવેરની મદદથી તેણે આ મિની રોબોટિક આર્મ તૈયાર કર્યો છે જે માનવ હાથની જેમ ખૂબ જ ચોકસાઈથી વસ્તુઓને પકડી કે ખસેડી શકે છે.

રેકોર્ડની હેટ્રિક અને ઉજ્જવળ ભવિષ્ય

હિતેન માટે રેકોર્ડ તોડવા એ હવે જાણે ટેવ બની ગઈ છે. આ તેની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની હેટ્રિક છે! તેણે ૨૦૨૪માં ૩ડી-પ્રિન્ટેડ રોબોટ્સના ડાન્સ અને ૨૦૨૫માં વિશ્વનું સૌથી નાનું AI-સંચાલિત હવામાન સ્ટેશન બનાવીને દુનિયાને અચંબામાં નાખી દીધી હતી. અત્યાર સુધીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ૮૦૧થી વધુ પ્રમાણપત્રો મેળવનાર હિતેનને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

હિતેનની આ સફર સાબિત કરે છે કે જો મક્કમ ઈરાદા હોય, તો નાગપુર જેવા શહેરમાં રહીને પણ દુનિયાના નકશા પર ભારતનો ડંકો વગાડી શકાય છે. આ યુવા પ્રતિભા આવનારા સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રે ભારત માટે નવા સીમાચિહ્નો સ્થાપશે તેમાં કોઈ શંકા નથી.

(8:00 PM IST)