<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

દુનિયા પર તોળાઈ રહ્યું છે મોટું ઊર્જા સંકટ: હોર્મુઝની ખાડીમાં ઈરાને બિછાવી દરિયાઈ સુરંગો, તેલ અને ગેસના ભાવમાં ભડકો થવાની પેન્ટાગોનની ચેતવણી

પેન્ટાગોનના રિપોર્ટમાં આઘાતજનક ખુલાસો: દરિયામાંથી લેન્ડમાઈન્સ હટાવતા જ 6 મહિના લાગશે; પ્રમુખ ટ્રમ્પે કહ્યું- 'ઈરાન સામેના યુદ્ધની કોઈ સમયસીમા નથી', મધ્યસત્ર ચૂંટણી પહેલા શાંતિના કોઈ સંકેત નહીં

વોશિંગ્ટન:વિશ્વના અર્થતંત્રની જીવાદોરી સમાન ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને બિછાવેલી દરિયાઈ સુરંગોએ હવે સમગ્ર દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય 'પેન્ટાગોન'ના એક તાજા મૂલ્યાંકન અહેવાલ મુજબ, જો આજે યુદ્ધ વિરામ થઈ જાય તો પણ આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી લેન્ડમાઈન્સને સંપૂર્ણપણે દૂર કરવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગી શકે છે. આનો સીધો અર્થ એ છે કે આગામી અડધા વર્ષ સુધી દુનિયાએ તેલ અને ગેસના આસમાને પહોંચેલા ભાવ અને પુરવઠાના સંકટનો સામનો કરવો પડશે.
    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ બાદ ઈરાને આ વ્યૂહાત્મક જળમાર્ગને લગભગ સંપૂર્ણપણે અવરોધિત કરી દીધો છે. પેન્ટાગોનના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત ન થાય ત્યાં સુધી આ સુરંગો હટાવવાની પ્રક્રિયા શરૂ થવી અશક્ય છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝમાં ઈઝરાયલ સાથે જોડાયેલા જહાજોને નિશાન બનાવ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓમાં ભારે ફાળ ફેલાઈ છે.
    બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન સામેની આ લડાઈને ઉતાવળમાં ખતમ કરવાના મૂડમાં નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, "લોકો એવું માને છે કે હું નવેમ્બરમાં આવનારી મધ્યસત્ર ચૂંટણીઓને કારણે યુદ્ધ જલ્દી ખતમ કરવા માંગુ છું, પરંતુ એ વાતમાં કોઈ સત્ય નથી. અમે કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ નથી." ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હોર્મુઝ પરનો અવરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત જોખમી સાબિત થશે.
જો હોર્મુઝ સ્ટ્રેટ વધુ સમય માટે બંધ રહેશે, તો ભારત સહિતના એશિયાઈ દેશોમાં મોંઘવારી બેકાબૂ બની શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી માત્ર પરિવહન જ નહીં પરંતુ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ 20% થી 30% નો ઉછાળો આવી શકે છે. આ સ્થિતિ વૈશ્વિક આર્થિક મંદી તરફ દોરી જઈ શકે છે

(10:02 PM IST)