<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

વર્લ્ડ એરલાઇન એવોર્ડ્સ ૨૦૨૬ માં સિંગાપોર એરલાઇન્સ વિશ્વમાં પ્રથમ ક્રમે: કતાર એરવેઝને પછાડી મેળવ્યો શ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ

ભારતીય એરલાઇન્સમાં એર ઇન્ડિયાનો ૨૭ સ્થાનનો કુદકો: ૫૭મા ક્રમે પહોંચી દક્ષિણ એશિયામાં નંબર-૧ બની : ઇન્ડિગો ગબડીને ૬૧મા સ્થાને ધકેલાઈ

નવી દિલ્હી:  વૈશ્વિક એવિએશન ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા સ્કાયટ્રેક્સ દ્વારા વાર્ષિક 'વર્લ્ડ એરલાઇન એવોર્ડ્સ ૨૦૨૬' ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સિંગાપોર એરલાઇન્સે કતાર એરવેઝને પાછળ છોડીને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન તરીકેનો નંબર-૧ નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ગત વર્ષના રેન્કિંગમાં સિંગાપોર એરલાઇન્સ બીજા ક્રમે રહી હતી, જેમાંથી સુધારો કરીને આ વર્ષે તેણે ટોચનું સ્થાન હાસલ કર્યું છે.


વૈશ્વિક રેન્કિંગની સરખામણીએ ભારતીય એરલાઇન્સે સાધારણ પરંતુ નોંધપાત્ર સુધારા સાથેનું પ્રદર્શન કર્યું છે. ટાટા ગ્રુપની એર ઇન્ડિયાએ ગત વર્ષની સરખામણીએ ૨૭ સ્થાનોનો મોટો કુદકો લગાવીને વૈશ્વિક સ્તરે ૫૭મું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ એર ઇન્ડિયા ભારત અને સમગ્ર દક્ષિણ એશિયા પ્રદેશમાં ટોચની એરલાઇન બની ગઈ છે.

બીજી તરફ, દેશની સૌથી મોટી બજેટ એરલાઇન ઇન્ડિગોના રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે. ઇન્ડિગો ગત વર્ષના ૩૯મા સ્થાનથી ગબડીને આ વર્ષે ૬૧મા સ્થાને ધકેલાઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે રેન્કિંગ ઘટવા છતાં ઇન્ડિગો ભારતની બીજા ક્રમની સૌથી વધુ ક્રમાંકિત એરલાઇન તરીકે ઊભરી આવી છે.

સ્કાયટ્રેક્સ રેન્કિંગ મુજબ, ઓલ નિપ્પોન એરવેઝ પાંચમા સ્થાનેથી સુધરીને ચોથા સ્થાને આવી છે, જ્યારે ટર્કિશ એરલાઇન્સ એક સ્થાનના સુધારા સાથે પાંચમા ક્રમે પહોંચી છે. દૂબઈની એમિરેટ્સ એરલાઇન્સ ચોથા સ્થાનેથી સરકીને છઠ્ઠા ક્રમે આવી ગઈ છે. આ ઉપરાંત એર ફ્રાન્સ, હૈનાન એરલાઇન્સ, જાપાન એરલાઇન્સ અને કોરિયન એર વિશ્વની ટોચની ૧૦ એરલાઇન્સમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.


દક્ષિણ એશિયા પ્રદેશના સ્થાનિક રેન્કિંગમાં એર ઇન્ડિયા પ્રથમ અને ઇન્ડિગો બીજા સ્થાને રહી છે. આ પ્રાદેશિક યાદીમાં અનુક્રમે અકાસા એર (ત્રીજા), એર ઇન્ડિયા એક્સપ્રેસ (ચોથા), શ્રીલંકન એરલાઇન્સ (પાંચમા), સ્પાઇસજેટ (છઠ્ઠા), બિયોન્ડ (સાતમા), વિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ (આઠમા), પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (નવમા) અને માલદીવિયન (દસમા) ક્રમે રહી છે.

વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ એરલાઇન્સની યાદીમાં ભારત તરફથી માત્ર એર ઇન્ડિયા અને ઇન્ડિગો જ સ્થાન મેળવી શકી છે, જ્યારે અકાસા એર, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસજેટ જેવી અન્ય ભારતીય એરલાઇન્સ વૈશ્વિક ટોપ-૧૦૦માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે.

(11:45 PM IST)