તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
મહિલા અનામત પર 'મહારાભારત': રાહુલ ગાંધીના ઘરની બહાર ભાજપનો ઉગ્ર વિરોધ, પુતળા દહન અને અટકાયત
બિલ લટકી પડતા નારી શક્તિનો રોષ ફાટી નીકળ્યો : હેમા માલિની અને રેખા ગુપ્તાની આગેવાનીમાં ભાજપના સાંસદોએ કોંગ્રેસ પર કર્યો પ્રહારો : 'નારી શક્તિ વંદન અધિનિયમ' માં અવરોધ ઉભો કરનાર વિપક્ષને દેશની મહિલાઓ પાઠ ભણાવશે તેવી ખુલ્લી ચેતવણી

નવી દિલ્હી: લોકસભામાં મહિલા અનામત બિલ જરૂરી બહુમતીના અભાવે પસાર ન થતા શનિવારે રાજધાની દિલ્હીમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને વરિષ્ઠ સાંસદ હેમા માલિનીની આગેવાનીમાં ભાજપના સેંકડો કાર્યકરોએ રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોતીલાલ નેહરુ માર્ગથી સુનહરી બાગ સુધી કાઢવામાં આવેલી આ કૂચમાં મહિલાઓએ કપાળ પર કાળી પટ્ટી બાંધી 'મહિલા વિરોધી કોંગ્રેસ' ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ રાહુલ ગાંધીનું પુતળું બાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેના જવાબમાં દિલ્હી પોલીસે અનેક નેતાઓની અટકાયત કરી તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા.
ભાજપના નેતાઓએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસે મહિલા સશક્તિકરણની પીઠમાં છરો માર્યો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સવાલ કર્યો કે જે વિપક્ષ મુસ્લિમ મહિલાઓના હિતની વાતો કરે છે, તેમણે ત્રિપલ તલાકના કાયદાનો વિરોધ કેમ કર્યો હતો? તો બીજી તરફ, હેમા માલિનીએ આ દિવસને મહિલાઓ માટે અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું કે પીએમ મોદી મહિલાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માંગે છે, પરંતુ વિપક્ષની માનસિકતા મહિલાઓને માત્ર મતદાન મથક સુધી સીમિત રાખવાની છે. બાંસુરી સ્વરાજ અને મનોજ તિવારી જેવા નેતાઓએ પણ ક્રોસ-વોટિંગ કરનાર વિપક્ષી ગઠબંધનને મહિલાઓના ગુસ્સાનો ભોગ બનવું પડશે તેવી ચેતવણી આપી હતી.
આ સમગ્ર વિવાદ વચ્ચે દેશની નજર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રે ૮:૩૦ વાગ્યાના સંબોધન પર છે. પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરીને મહિલા અનામત બિલના મહત્વ અને ભવિષ્યના રોડમેપ વિશે વાત કરી શકે છે. ભાજપના સાંસદ કમલજીત સેહરાવતે સ્પષ્ટ કર્યું કે ૨૦૨૩માં 'નારી શક્તિ વંદન અધિનિયમ' હેઠળ ૨૦૨૯ સુધીમાં ૩૩% અનામત લાગુ કરવાનો પીએમનો સંકલ્પ અતૂટ છે, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન કરીને મહિલાઓને તેમના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો છે. હવે આ મુદ્દો આગામી ચૂંટણીઓમાં મોટો હથિયાર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
