તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
CPSEsમાં મહિલાઓની ભાગીદારી ૧૦%થી પણ ઓછી: સુપરવાઇઝરી સ્તરે ચિંતાજનક ઘટાડો
રાજકીય અનામતની ચર્ચા વચ્ચે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મહિલા પ્રતિનિધિત્વ અંગે સાંસદ ડૉ. તનુજા રાનીએ ઉઠાવ્યા ગંભીર સવાલો; સુવિધાઓ અને સમાન તકો આપવા માંગણી

નવી દિલ્હી: સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ (૩૩%) અનામત લાગુ કરવા અંગે રાજકીય સ્તરે ઘમસાણ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ દેશના જાહેર સાહસો અને ખાનગી ક્ષેત્રમાં મહિલા કર્મચારીઓની અત્યંત ઓછી સંખ્યા અંગે નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરના સરકારી આંકડાઓ અનુસાર, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE) ના કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી ૧૦ ટકાથી પણ ઓછી છે, જ્યારે સુપરવાઇઝરી સ્તરે તેમની સ્થિતિ વધુ નાજુક જોવા મળી છે.
જાહેર સાહસોના સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંતે CPSEsમાં કુલ કાર્યબળમાં મહિલાઓનો હિસ્સો માત્ર ૯.૮ ટકા હતો. આ સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૭,૬૨૫ હતી જે ઘટીને ૨૦૨૪-૨૫માં ૭૬,૬૮૫ પર પહોંચી છે. સુપરવાઇઝરી સ્તરે ૨૦૨૨-૨૩માં મહિલાઓનો હિસ્સો ૧૦.૦૮ ટકા હતો, જે ૨૦૨૩-૨૪માં ઘટીને ૯ ટકા અને તાજેતરમાં ૮.૭ ટકા થયો છે. CPSEsમાં કુલ મહિલા કર્મચારીઓમાંથી ૫૮.૯ ટકા કર્મચારી શ્રેણીમાં અને ૩૨.૪ ટકા મેનેજમેન્ટ અથવા એક્ઝિક્યુટિવ સ્તરે કાર્યરત છે. ખાનગી ક્ષેત્રમાં પણ એન્ટ્રી-લેવલ પર ૩૩ ટકા મહિલાઓ છે પરંતુ મેનેજમેન્ટમાં માત્ર ચોથા ભાગનું પ્રતિનિધિત્વ છે.
વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સાંસદ ડૉ. ગુમ્મા તનુજા રાનીએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "દેશમાં મહિલાઓ સંસદ અને કાર્યસ્થળ પર પોતાના અવાજ અને વાજબી હકની લાંબા સમયથી રાહ જોઈ રહી છે." તેમણે ઉમેર્યું હતું કે જાહેર ક્ષેત્રના મોટા ભાગના સાહસો ખાણકામ, પ્રોડક્શન અને ભારે ઉદ્યોગો સાથે જોડાયેલા છે, જ્યાં લવચીક કાર્યકાળનો અભાવ, ટ્રાન્સફર પોલિસી, સલામત આવાસ કે બાળ સંભાળ સુવિધાઓના અભાવે મહિલાઓને કારકિર્દીની મધ્યમાં નોકરી છોડવાની ફરજ પડે છે.
વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ કોઈપણ રાજ્યમાં ૨૦ ટકા સુધી પહોંચ્યું નથી, જ્યારે લોકસભામાં તે વધીને ૧૫ ટકા થયું છે. આ સ્થિતિ સુધારવા સાંસદ ડૉ. તનુજા રાનીએ ભલામણ કરી છે કે જાહેર ક્ષેત્રમાં મહિલાઓની ભરતી માટે સમયબદ્ધ લક્ષ્યો નક્કી કરવા જોઈએ. સાથે જ પ્રોમોશન બોર્ડમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવું, બાળ સંભાળ કેન્દ્રો, હોસ્ટેલ અને સુગમ ટ્રાન્સપોર્ટ સુવિધા આપવી તેમજ નોકરીમાં ફરી જોડાવા માંગતી મહિલાઓ માટે વિશેષ યોજનાઓ બનાવવી જરૂરી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
