<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

મહારાષ્ટ્રમાં મહિલાઓ અસુરક્ષિત! સુપ્રિયા સુળેએ મુખ્યમંત્રી ફડણવીસને પત્ર લખી સરકારને ખખડાવી, કહ્યું- ‘રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ગંભીર’

મુંબઈથી નાગપુર સુધી અપરાધના આંકડા વધતા પરિવારોમાં ફફડાટ; મહિલા આયોગને સક્રિય કરવા અને નાઈટ પેટ્રોલિંગ વધારવા સુપ્રિયા સુળેની આક્રમક માંગ

મુંબઈ:રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ સુપ્રિયા સુળેએ મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા મહિલા વિરોધી અપરાધો મુદ્દે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ૨૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા એક ધારદાર પત્રમાં સુળેએ રાજ્યની વર્તમાન સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધતા ગુનાઓ એ શરમજનક બાબત છે.
શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ભયનો માહોલ
સુપ્રિયા સુળેએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મુંબઈ, પુણે, નાગપુર, નાસિક અને છત્રપતિ સંભાજીનગર જેવા મોટા શહેરોમાં હુમલા, ઘરેલુ હિંસા અને અપહરણની ઘટનાઓ દરરોજ નોંધાઈ રહી છે. આ માત્ર આંકડા નથી, પરંતુ તેની સામાજિક અસર ખૂબ જ ભયાનક છે. વાલીઓ પોતાની દીકરીઓને શાળા કે કોલેજ મોકલતા ગભરાઈ રહ્યા છે, જેની સીધી અસર છોકરીઓના શિક્ષણ અને વિકાસ પર પડી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક નહીં જાગે, તો રાજ્યની પ્રતિષ્ઠાને કાયમી નુકસાન થશે.
મહિલા આયોગની નિષ્ક્રિયતા પર પ્રહાર
સુપ્રિયા સુળેએ રાજ્ય મહિલા આયોગની કાર્યપદ્ધતિ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે મહિલા આયોગ અત્યારે માત્ર નામનું રહી ગયું છે અને તે બિનકાર્યક્ષમ છે. તેમણે માંગ કરી છે કે આયોગને તાત્કાલિક સક્રિય કરવામાં આવે અને જિલ્લા સ્તરે મહિલા કલ્યાણ સમિતિઓની સમીક્ષા કરવામાં આવે. સુળેએ હોમ મિનિસ્ટરને પણ વિનંતી કરી છે કે તેઓ પોતે જિલ્લાવાર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે અને પોલીસ બેડામાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરે.
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકાની માંગ
શાળાઓ અને કોલેજોમાં વધી રહેલા દુર્વ્યવહારના કિસ્સાઓ રોકવા માટે સુળેએ કડક ગાઇડલાઇન્સ જાહેર કરવા દબાણ કર્યું છે. તેમણે સંવેદનશીલ વિસ્તારોમાં 'નાઈટ પેટ્રોલિંગ' વધારવા અને અપરાધીઓ સામે 'ઝીરો ટોલરન્સ' (શૂન્ય સહિષ્ણુતા) ની નીતિ અપનાવવા સરકારને આગ્રહ કર્યો છે. આ પત્ર બાદ હવે રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેવા અને કેટલા ઝડપી પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.
 
સુપ્રિયા સુળેની મુખ્ય માંગણીઓ:
•    જિલ્લાવાર સમીક્ષા: ગૃહમંત્રી દ્વારા મહિલા સુરક્ષાનું નિરીક્ષણ.
•    પોલીસ ફોર્સ: મહિલા પોલીસ કર્મચારીઓની ભરતીમાં વધારો.
•    સક્રિયતા: રાજ્ય મહિલા આયોગને તાત્કાલિક કાર્યરત કરવું.
•    પેટ્રોલિંગ: રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા.

(6:50 PM IST)