News of Saturday, 18th April 2026
"મહિલાઓ તો માત્ર બહાનું, ભાજપનું લક્ષ્ય સત્તા પર કાયમી કબજો!" – પ્રિયંકા ગાંધીએ મહિલા અનામત બિલના બહાને સરકારના ‘ષડયંત્ર’નો પર્દાફાશ કર્યો
મહિલા અનામત બિલ નિષ્ફળ જતાં કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર: "આ મહિલાઓનો નહીં પણ વિપક્ષી એકતા અને બંધારણનો વિજય છે", સીમાંકનના મુદ્દે સરકારને ઘેરી

નવી દિલ્હી : મહિલા અનામત કાયદામાં સુધારા બિલ લોકસભામાં પસાર કરવામાં નિષ્ફળ રહેતા દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાંસદ અને દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ આ મામલે સરકાર પર આકરા પ્રહાર કરતા તેને ‘લોકશાહીનો વિજય’ ગણાવ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધતા પ્રિયંકા ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો કે, સરકાર મહિલાઓના ખભા પર બંદૂક રાખીને કાયમી ધોરણે સત્તામાં રહેવાનું કાવતરું ઘડી રહી હતી, જે વિપક્ષની એકતાને કારણે નિષ્ફળ ગયું છે.
"મહિલાઓનો ઉપયોગ રાજકીય સીડી તરીકે થયો"
પ્રિયંકા ગાંધીએ પત્રકાર પરિષદમાં સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "આ બિલનો ખરો હેતુ મહિલાઓને અનામત આપવાનો નહીં, પણ સીમાંકન પ્રક્રિયા દ્વારા કાયમી સત્તા ભોગવવાનો હતો." તેમણે ઉમેર્યું કે, જે પ્રકારે ઉતાવળમાં ડ્રાફ્ટ બતાવવામાં આવ્યો અને ચૂંટણી વચ્ચે આ બિલ લાવવામાં આવ્યું, તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર 2011ની વસ્તી ગણતરીના આધારે પોતાની મનમાની કરવા માંગતી હતી. સરકારની યોજના હતી કે મહિલાઓના નામે અનામત આપીને પોતે ‘મસીહા’ બની જાય, પરંતુ અંદરખાને સીમાંકનનો ખેલ ખેલીને સત્તા સુરક્ષિત કરી લે.
ઉન્નાવથી મણિપુર સુધીના કિસ્સા યાદ કરાવ્યા
ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું કે, "જેઓ આજે સંસદમાં મહિલાઓના મસીહા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને ઉન્નાવ, હાથરસ અને દિલ્હીના રસ્તાઓ પર બેઠેલા ઓલિમ્પિક રમતવીરો કેમ દેખાયા નહોતા? મણિપુરમાં મહિલાઓ પર થતા અત્યાચારો વખતે સરકાર ક્યાં હતી?" તેમણે કટાક્ષ કરતા કહ્યું કે દેશની મહિલાઓ બધું જ જોઈ રહી છે અને હવે સરકારી પીઆર (PR) કે માર્કેટિંગથી જનતાને મૂર્ખ બનાવી શકાશે નહીં.
પહેલીવાર સરકાર આઘાતમાં - પ્રિયંકા ગાંધી
બિલ પસાર ન થવાને કારણે ભાજપ જે ‘કાળો દિવસ’ ઉજવી રહી છે, તેના પર વળતો પ્રહાર કરતા પ્રિયંકાએ જણાવ્યું કે, "સરકાર આઘાતમાં છે કારણ કે પહેલીવાર વિપક્ષે એક થઈને તેમના મનસ્વી નિર્ણયોને અટકાવી દીધા છે." તેમણે આને બંધારણ અને લોકશાહીનો મોટો વિજય ગણાવતા કહ્યું કે આનાથી સાબિત થયું છે કે જ્યારે વિપક્ષ મજબૂતીથી લડે છે ત્યારે સરકારના જોહુકમીભર્યા નિર્ણયોને બદલી શકાય છે.
લોકસભામાં મળેલી આ પછડાટ બાદ હવે આગામી દિવસોમાં ભાજપ અને વિપક્ષ વચ્ચે મહિલા સશક્તિકરણ અને સીમાંકનના મુદ્દે રાજકીય લડાઈ વધુ તેજ બને તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. મધ્યરાત્રિ સુધી ચાલેલી આ લડાઈએ સાબિત કરી દીધું છે કે 2026નું આ રાજકીય વર્ષ ઉથલપાથલથી ભરેલું રહેવાનું છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
