<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ડીઝલની અછતને લીધે એમ્‍બ્‍યુલન્‍સ નહીં આવતાં મહિલાના ગર્ભમાં જ બાળકનું મોત

મુંબઈ તા.૨૯: ભારત સહિત વિશ્વભરમાં ચાલી રહેલી પેટ્રોલ-ડીઝલની તંગી હવે જીવલેણ બની રહી છે. મહારાષ્ટ્રના હિગોલી જિલ્‍લામાં, ડીઝલની અછતને કારણે એમ્‍બ્‍યુલન્‍સ આવવામાં થયેલાં વિલંબને કારણે એક ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલાં બાળકનું મોત નિપજ્‍યું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. જોકે સત્તાવાળાઓએ એમ્‍બ્‍યુલન્‍સ મોડેથી પહોંચવા પાછળ ડીઝલની અછતનું કારણ જવાબદાર નહીં હોવાનું જણાવ્‍યું હતું. આ મામલે પરિવારજનોના હોબાળા બાદ જાહેર આરોગ્‍ય મંત્રી પ્રકાશ અબિટકરે તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

પરિવારજનોના દાવા અનુસાર, જ્‍વાલા બજાર ખાતે મહિલાને એકાએક પ્રસૂતિની પીડા થતાં તેમણે સરકારી એમ્‍બ્‍યુલન્‍સ માટે ફોન કર્યો હતો, જોકે બે કલાક સુધી રાહ જોવા છતાં એમ્‍બ્‍યુલન્‍સ આવી નહોતી. વધુ સમય થતાં પરિવારે પૂછપરછ કરતાં તેમને સામેથી એવો જવાબ મળ્‍યો હતો કે, ડીઝલ નહીં હોવાથી એમ્‍બ્‍યુલન્‍સ મોકલી નહોતી. ત્‍યારબાદ પરિવારજનોએ ખાનગી વાહન કરી મહિલાને હિગોલીની સરકારી મેડિકલ કોલેજ લઈ ગયાં હતાં, જ્‍યાં ડોક્‍ટરોએ સી-સેક્‍શન સર્જરી કરી હતી, જોકે તેઓ બાળકને બચાવી શક્‍યા નહોતા. મંત્રી અબિટકરે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્‍યું હતું કે, ડીઝલ નહીં હોવાના કારણે એમ્‍બ્‍યુલન્‍સ નહોતી મોકલાઈ તેમ કહેવું યોગ્‍ય નથી. આમ છતાં તેમણે આ ઘટનાની તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

બીજી તરફ આ મામલે સ્‍થાનિક રાજકારણ શરૂ થઈ ગયું છે. એનસીપી (એસપી)ના મહિલા મોરચાના અધ્‍યક્ષ રોહિણી ખડસેએ ડીઝલની અછત નહીં હોવાના રાજ્‍ય સરકારના દાવા સામે સવાલ ખડાં કરતાં જણાવ્‍યું હતું કે, જો તેમ હોય તો બાળકના મૃત્‍યુ માટે કોને જવાબદાર ગણવાના, રાજ્‍યના આરોગ્‍ય વિભાગને, એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફને કે પછી સરકારને? 

(10:26 AM IST)