News of Tuesday, 19th May 2026
ગૂગલ પર રેપિડોનો નંબર શોધવામાં મહિલાને ૫૦,૦૦૦નો ફટકો
પિતા કેબમાં ફોન ભૂલી આવ્યા હતા એટલે કંપનીનો કસ્ટમર કેર નંબર શોધી રહ્યાં હતાં એમાં સાઇબર ગઠિયા ભટકાયા

મુંબઈ,તા.૧૯: પિતા કેબમાં ફોન ભૂલી આવ્યા હતા એટલે કંપનીનો કસ્ટમર કેર નંબર શોધી રહ્યાં હતાં એમાં સાઇબર ગઠિયા ભટકાયા, એમણે મોકલેલી લિન્ક પર ક્લિક કર્યું એમાં મોબાઇલ હેક થઈ ગયો અને બેન્કમાંથી પૈસા ઊપડી ગયા
દક્ષિણ મુંબઈમાં બ્રીચ કેન્ડી નજીક રહેતાં ૪૧ વર્ષનાં ગુજરાતી મહિલા મોબાઇલ ફોન દ્વારા રેપિડો કંપનીનો નંબર શોધવા ગયાં એમાં ૫૦,૦૦૦ રૂપિયા તેમના બેન્ક-ખાતામાંથી ઊપડી ગયા હતા. આ મામલે ગામદેવી પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પર્સનાલિટી ટ્રેઇનર મહિલાના પિતા ૧૩ એપ્રિલે પોતાનો મોબાઇલ ફોન રેપિડો કેબમાં ભૂલી ગયા હતા. પિતાને મદદ કરવા મહિલાએ ગૂગલ પર રેપિડો કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. ત્યાંથી મળેલા એક નંબર પર સંપર્ક કરતાં સાઇબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવીને મહિલાના બેન્કના ખાતામાંથી માત્ર થોડી જ મિનિટોમાં બે ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૫૦,૦૦૦ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. આ કેસમાં પોલીસે ટ્રાન્સફર થયેલા પૈસા માટે વધુ તપાસ શરૂ કરી છે.
ગામદેવી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘કહ્યું હતું કે ‘મહિલાના પિતા મોબાઇલ ટેક્સીમાં ભૂલી જતાં તેણે ગૂગલ પર કેબ કંપની રેપિડોનો નંબર ઑનલાઇન શોધ્યો હતો. ત્યારે સાઇબર ગઠિયાઓએ કસ્ટમર સપોર્ટના બહાને મહિલાના વોટ્સઍપ પર customer support.apk નામની એક લિન્ક મોકલી હતી અને ટેક્સી ટ્રેક કરવાના નામે ૧૦ રૂપિયા મોકલવા જણાવ્યું હતું. મહિલાએ જેવું આ લિન્ક પર ક્લિક કર્યું કે તરત જ તેનો મોબાઇલ હેક થઈ ગયો હતો અને થોડી વાર માટે હેન્ગ થઈ ગયો હતો. શંકા જતાં મહિલાએ ફોન સ્વિચ્ડ-ઑફ કરીને ચાલુ કર્યો ત્યાં સુધીમાં તેના ખાતામાંથી પૈસા ડેબિટ થઈ ગયાના મેસેજ આવી ચૂક્યા હતા. મહિલાએ તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી. અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
