તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
દુષ્કર્મથી બચવા માટે મહિલાએ બનાવ્યું અનોખું યંત્રઃ દાનત બગાડનાર તરત જ થઈ જશે ઘાયલ
દુનિયાભરમાં વધતા જઈ રહેલા દુષ્કર્મના કેસોને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકાની એક મહિલાએ એન્ટી રેપ ડિવાઈસ બનાવ્યું : આ યંત્ર મહિલાઓ ફીમેલ કન્ડોમની જેમ ઉપયોગ કરી શકે છે. જો કોઈ રેપિસ્ટ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરશે તો આ યંત્ર તેના અંગને જકડી લેશે અને તેને ભારે દુઃખાવો થશે

ડરબન તા.૧૮: દુનિયાભરમાં વધતા જઈ રહેલા યૌન શોષણ અને રેપના કેસોને ધ્યાનમાં લઈને હવે મહિલાઓ પોતે જ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે નવા-નવા ઉપાય શોધી રહી છે. આવી જ રીતે દક્ષિણ આફ્રિકાની એક મહિલા ડોક્ટરે એક એવું યંત્ર બનાવ્યું છે, જે રેપિસ્ટને ગુનો કરતા સમયે જ કડક પાઠ ભણાવી દેશે. આ ડિવાઈસનું નામ રેપ-એક્સ (Rape-aXe) છે, જેને ‘એન્ટી-રેપ કન્ડોમ' પણ કહેવામાં આવે છે.
ડો. સોનેટ એહલર્સે આ યંત્ર તૈયાર કર્યું છે. તેઓ મેડિકલ ટેકનિશિયન છે અને રેપ પીડિત મહિલાઓ સાથે કામ કરતી વખતે અનેક હૃદયદ્રાવક કિસ્સાઓ સાંભળ્યા છે. આ જ કિસ્સાઓથી દુઃખી થઈને તેમણે ૪૦ વર્ષની મહેનત બાદ મહિલાઓની સુરક્ષા માટે આ યંત્ર વિકસાવ્યું છે.
આ ડિવાઈસને ૨૦૦૫માં જાહેરમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ આ ડિવાઇસ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાં સામે આવ્યું છે. આ યંત્ર દેખાવમાં સામાન્ય ફીમેલ કન્ડોમ જેવું જ છે. મહિલાઓ તેને ટેમ્પોનની જેમ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં લગાવી શકે છે. અંદર તરફ દાંત જેવા બાર્બ્સ લગાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ રેપિસ્ટ હુમલો કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો અંગ અંદર જઈ શકે છે, પણ પાછો ખેંચવાનો પ્રયાસ કરશે ત્યારે આ હૂક તેના અંગમાં ઘૂસી જશે. જેના કારણે આરોપીને એટલો તીવ્ર દુઃખાવો થશે કે તે બૂમ પાડી ઉઠશે અને તરત જ ઘાયલ થઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે આ યંત્ર એટલો મજબૂત છે કે તેને માત્ર સર્જન જ ઓપરેશન દ્વારા કાઢી શકે છે. એટલે આરોપીને હોસ્પિટલ જવું જ પડશે, જ્યાં પોલીસ તેને સરળતાથી પકડી શકે છે.
દક્ષિણ આફ્રિકામાં રેપના કેસોની સંખ્યા ખૂબ જ વધારે છે. આવી સ્થિતિમાં આ ડિવાઈસને મહિલાઓની સુરક્ષા માટે મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને શેર કરી રહ્યા છે. ઘણી મહિલાઓ આ ડિવાઈસની પ્રશંસા કરી રહી છે તો કેટલીક તેને વિવાદાસ્પદ પણ ગણાવી રહી છે. જોકે, આ ડિવાઈસ હજુ સુધી સંપૂર્ણ રીતે બજારમાં ઉપલબ્ધ નથી. પ્રોટોટાઈપ રૂપે રજૂ કર્યા બાદ પણ મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શક્યું નથી.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
