<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

વિમ્બલ્ડનના મેદાન પર 'રોયલ' સરપ્રાઇઝ: વેલ્સની રાજકુમારી કેટ મિડલટન અચાનક પહોંચી પ્રવાસીઓની લાઈનમાં, વાદળી સૂટમાં સજ્જ થઈને જીતી લીધા ચાહકોના દિલ!

ટિકિટ લેવા સવારે ૪ વાગ્યાથી લાઈનમાં ઉભેલા ફેન્સ સાથે સેલ્ફી લીધી, સ્ટુઅર્ડ્સ સાથે મળીને જાતે ટિકિટો પણ વહેંચી; સોશિયલ મીડિયા પર ફેન્સ બોલ્યા- 'તે ટેનિસ નહીં, સ્મિત પીરસી રહી છે!'

લંડન : વિમ્બલ્ડન ૨૦૨૬ (Wimbledon 2026) ની ટેનિસ ચેમ્પિયનશિપના ચોથા દિવસે પ્રવાસીઓ અને ટેનિસ ચાહકોને એક અદભુત અને ક્યારેય ન ભુલવા જેવું સરપ્રાઇઝ મળ્યું છે. બ્રિટનના શાહી પરિવારના લોકપ્રિય સભ્ય અને વેલ્સની રાજકુમારી કેટ મિડલટન (Kate Middleton) ગુરુવારે અચાનક જ વિમ્બલ્ડન ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. સામાન્ય રીતે વીઆઈપી બોક્સમાં મેચ નિહાળતા રાજકુમારીને પોતાની વચ્ચે જોઈને ટિકિટની કતારમાં ઉભેલા હજારો ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સવારે ૪ વાગ્યાથી લાઈનમાં ઉભેલા ફેન્સની વચ્ચે પહોંચ્યા કેટ
ઑલ ઇંગ્લેન્ડ લૉન ટેનિસ ક્લબ (AELTC) ના પેટ્રન (સરક્ષક) તરીકે કેટ મિડલટન વિમ્બલ્ડનની પરંપરાઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. ટિકિટ મેળવવાની આશામાં સવારે ૪ વાગ્યાથી લાઈનમાં ઊભેલા પ્રવાસીઓની મુશ્કેલી અને ઉત્સાહને જાણવા રાજકુમારી જાતે તેમની વચ્ચે પહોંચી ગયા હતા. આ પ્રસંગે તેમણે અત્યંત આકર્ષક અને સુંદર 'વાદળી શણનો સૂટ' (Blue Linen Suit) પહેર્યો હતો. તેમણે ત્યાં હાજર પરિવારો સાથે ખૂબ જ હળવાશથી વાતચીત કરી હતી, બાળકોના હાલચાલ પૂછ્યા હતા અને ચાહકો સાથે હોંશે-હોંશે ફોટા પણ પડાવ્યા હતા.
રાજકુમારીએ જાતે ટિકિટ કાપી આપી!
આ મુલાકાત માત્ર ઔપચારિક ન હતી, પરંતુ કેટ મિડલટન ત્યાં હાજર વિમ્બલ્ડન સ્ટુઅર્ડ્સ (સ્વયંસેવકો) ની સાથે કામમાં જોડાઈ ગયા હતા. તેમણે મેદાનમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા કેટલાક નસીબદાર પ્રવાસીઓને પોતાના હાથે ટિકિટ આપી હતી અને પેમેન્ટ પ્રક્રિયામાં પણ મદદ કરી હતી. ટિકિટ આપતી વખતે રાજકુમારીએ દરેક ચાહકને સ્મિત સાથે 'ચેમ્પિયનશિપમાં મસ્તીભર્યો સમય' વિતાવવા માટેની શાહી શુભેચ્છાઓ પાઠવી હતી.
વોકઅબાઉટ દરમિયાન ખાસ અભિનંદન: મુલાકાતીઓ સાથેની વાતચીત દરમિયાન, એક પ્રવાસીએ રાજકુમારી કેટને તાજેતરમાં જ સાહસિક 'થ્રી પીક્સ ચેલેન્જ' (Three Peaks Challenge) સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ક્રેઝી ટેનિસ ચાહકો વચ્ચે પણ કેટે કતારનું વ્યવસ્થાપન સંભાળતા માનદ સ્ટુઅર્ડ્સનો આભાર માન્યો હતો, જેમના લીધે આટલી મોટી ટૂર્નામેન્ટનું સુગમ સંચાલન શક્ય બને છે.
ઇન્ટરનેટ પર ફેન્સ થયા કાયલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર રાજકુમારીની આ મુલાકાતનો વીડિયો અને તસવીરો જોતજોતામાં વાયરલ થઈ ગયા છે. વિશ્વભરના યુઝર્સ કેટના આ અંદાજ પર ફિદા થઈ ગયા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, "તે મેદાન પર ટેનિસ કરતાં વધુ સેવા આપી રહી છે, તે પોતાની સુંદર સ્મિત પીરસી રહી છે." જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું, "હંમેશાની જેમ વિમ્બલ્ડનમાં રાજકુમારીને પાછી જોઈને ખૂબ જ આનંદ થયો, આ બ્લુ આઉટફિટ અદભુત છે."
નોંધનીય છે કે કેટ મિડલટન દર વર્ષે સેન્ટર કોર્ટની ફાઇનલ મેચોમાં વિજેતાઓને ટ્રોફી એનાયત કરે છે. ગયા વર્ષે પણ તેમણે વર્લ્ડ નંબર ૧ જેનિક સિનરને મેન્સ સિંગલ્સની ચમકતી ટ્રોફી આપીને વર્ષો જૂની શાહી પરંપરા નિભાવી હતી. આ વર્ષે ચોથા જ દિવસે તેમના આ અણધાર્યા દેખાાવે બ્રિટનની આ પ્રતિષ્ઠિત રમતગમતની ઈવેન્ટની રોનક બમણી કરી દીધી છે.

(8:51 PM IST)