<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

શું ૫૪ દિવસમાં જ દુનિયાનો અંત? ૬૬ વર્ષ જૂની ભવિષ્‍યવાણી ફરી ચર્ચામાં

દુનિયામાં મોંઘવારી, બેરોજગારી અને ઝડપથી બદલાતી ટેકનોલોજી વચ્‍ચે એક જૂની વૈજ્ઞાનિક ભવિષ્‍યવાણીએ લોકોનું ધ્‍યાન પોતાની તરફ ખેંચ્‍યું : ૧૩ નવેમ્‍બર, ૨૦૨૬ સુધીમાં માનવ સભ્‍યતા અત્‍યંત ગંભીર સંકટની સ્‍થિતિમાં પહોંચી શકે છે. આ ભવિષ્‍યવાણી વર્ષ ૧૯૬૦માં અમેરિકન વૈજ્ઞાનિક સામયિક Scienceમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં કરવામાં આવી હતી

ન્‍યુયોર્કઃ તા.૨૧: દુનિયામાં મોંઘવારી, બેરોજગારી અને ઝડપથી બદલાતી ટેક્રોલોજી વચ્‍ચે એક જૂની વૈજ્ઞાનિક ભવિષ્‍યવાણીએ લોકોનું ધ્‍યાન પોતાની તરફ ખેંચ્‍યું છે. લગભગ ૬૬ વર્ષ પહેલાં કરવામાં આવેલી આ ભવિષ્‍યવાણીમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે ૧૩ નવેમ્‍બર, ૨૦૨૬ સુધીમાં માનવ સભ્‍યતા અત્‍યંત ગંભીર સંકટની સ્‍થિતિમાં પહોંચી શકે છે. આ ભવિષ્‍યવાણી વર્ષ ૧૯૬૦માં અમેરિકન વૈજ્ઞાનિક સામયિક Scienceમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં કરવામાં આવી હતી. તેને University of Illinoisના ત્રણ સંશોધકો હેઇન્‍ઝ વોન ફોર્સ્‍ટર, પેટ્રિશિયા એમ. મોરા અને લોરેન્‍સ ડબ્‍લ્‍યુ. અમિયોટે તૈયાર કર્યું હતું.

૧૭૯૮માં અર્થશાષાી થોમસ માલ્‍થસે પણ ચેતવણી આપી હતી કે એક સમય એવો આવશે જ્‍યારે માનવ વસ્‍તી એટલી વધી જશે કે ખોરાકની અછતને કારણે મોટી તબાહી થઈ શકે છે, પરંતુ આજ સુધી આવી સ્‍થિતિ તે સ્‍વરૂપમાં સામે આવી નથી. તેથી ૧૩ નવેમ્‍બર, ૨૦૨૬ની તારીખને દુનિયાના અંતની ચોક્કસ ભવિષ્‍યવાણી માનવાને બદલે વધતી વસ્‍તી અને પૃથ્‍વીના મર્યાદિત સંસાધનોને લઈને આપવામાં આવેલી એક જૂની વૈજ્ઞાનિક ચેતવણી તરીકે જોવી વધુ યોગ્‍ય છે.

જ્‍યારે આ સંશોધન પ્રકાશિત થયું હતું, ત્‍યારે દુનિયાની વસ્‍તી લગભગ ૩ અબજ હતી. આજે આ સંખ્‍યા વધીને લગભગ ૮.૩ અબજ થઈ ગઈ છે. જોકે હાલના અંદાજો અનુસાર દુનિયાની વસ્‍તી ૨૦૮૦ના દાયકામાં લગભગ ૧૦.૩ અબજ સુધી પહોંચી શકે છે અને ત્‍યાર બાદ તેમાં ઘટાડો શરૂ થવાની સંભાવના છે. આ જ કારણ છે કે ૧૯૬૦ની આ ભવિષ્‍યવાણી આજે ફરી ચર્ચામાં આવી છે. જોકે તેનો અર્થ એ નથી કે વૈજ્ઞાનિકોએ ખરેખર ૨૦૨૬માં દુનિયા ખતમ થવાની ચોક્કસ તારીખ જણાવી હતી. વૈજ્ઞાનિકોએ તે સમયે દુનિયાની વધતી વસ્‍તી અને તેની ઝડપથી વધી રહેલી ગતિનો અભ્‍યાસ કર્યો હતો. તેમનું માનવું હતું કે જો વસ્‍તી આ જ ઝડપે વધતી રહેશે તો એક સમય એવો આવશે જ્‍યારે પૃથ્‍વીના સંસાધનો મનુષ્‍યોની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ નહીં રહે.

આ સમગ્ર વાતને વધુ રસપ્રદ બનાવે છે વૈજ્ઞાનિક હેઇન્‍ઝ વોન ફોર્સ્‍ટરનું નામ. તેમણે દાયકાઓ પહેલાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સને લઈને પણ એક મહત્‍વપૂર્ણ ચેતવણી આપી હતી. ૧૯૯૫માં એક ઇન્‍ટરવ્‍યૂ દરમિયાન તેમણે સમજાવ્‍યું હતું કે કોઈ મશીન મનુષ્‍ય જેવું કામ કરે તેનો અર્થ એ નથી કે તે મનુષ્‍યની જેમ વિચારે પણ છે. તેમણે ઉદાહરણ આપ્‍યું હતું કે જો કોઈ રોબોટ બ્‍લોક્‍સને એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ વ્‍યવસ્‍થિત કરી દે, તો તેને માનવીય બુદ્ધિમત્તા માનવી યોગ્‍ય ન હોઈ શકે. આજે જ્‍યારે લોકો AI ચેટબોટ્‍સ સાથે વાતચીત કરી રહ્યા છે અને કેટલાક લોકો તેમની સાથે ભાવનાત્‍મક સંબંધો પણ બનાવી રહ્યા છે, ત્‍યારે વોન ફોર્સ્‍ટરની વર્ષો જૂની ચેતવણી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

 

(10:48 AM IST)