તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર MDR ચાર્જ લાગુ થશે? નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો સ્પષ્ટ જવાબ
GST કાઉન્સિલમાં ચર્ચા ન થઈ હોવાની નાણામંત્રીની સ્પષ્ટતા: તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી MDR અમલીકરણ ૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી લંબાવાય તેવી શક્યતા

નવી દિલ્હી: દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ લાગુ કરવા અંગે વધી રહેલી અટકળો અને ચર્ચાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠક બાદ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે GST કાઉન્સિલની આ બેઠકમાં MDR અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે MDR સંબંધિત બાબતો માટે જવાબદાર મિકેનિઝમ અને સંસ્થા જ તેના પર યોગ્ય નિર્ણય લેશે.
બીજી તરફ, CNBC-આવાજ અને વિવિધ ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ ૧૫ ઓક્ટોબરથી પ્રસ્તાવિત MDR ચાર્જ સિસ્ટમના અમલીકરણને હવે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી મુલતવી રાખવા પર ગંભીર વિચારણા ચાલી રહી છે. દેશમાં હાલમાં દિવાળી, છઠ પૂજા, નાતાલ અને નવા વર્ષ સહિતની તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન બજારમાં ખરીદી અને ડિજિટલ ચૂકવણીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે. વેપારીઓ અને વ્યાવસાયિક સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તહેવારોની આ સિઝનમાં વધારાનો બોજ લાદવાને બદલે MDRનો અમલ તહેવારો પૂર્ણ થયા બાદ કરવામાં આવે.
આ મુદ્દે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની આગેવાની હેઠળની UPI અને સેવા સંચાલન સમિતિના સભ્યો વચ્ચે ૭ ઓક્ટોબરના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં MDR માટેના પ્રસ્તાવિત માળખા અને અમલીકરણની સમયસીમા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં પણ અંતિમ નિર્ણય લેવાયો ન હતો.
પ્રસ્તાવિત માળખા અનુસાર, MDR એ ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પાસેથી પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ દ્વારા વસૂલવામાં આવતી ફી છે. આ નવી સિસ્ટમ હેઠળ ₹૨,૦૦૦ થી વધુના ચોક્કસ UPI ગ્રાહક-થી-વેપારી વ્યવહારો પર ૦.૪૦% ના દરે MDR લાદવાનો પ્રસ્તાવ છે, જેમાં ₹૭૫,૦૦૦ કે તેથી વધુના મોટા વ્યવહારો માટે મહત્તમ મર્યાદા ₹૩૦૦ નક્કી કરવામાં આવી છે. આ ફી સીધી રીતે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ પર લાગુ થશે. હાલમાં તારીખ લંબાવવા અંગે સંભવિત ફેરફાર માનવામાં આવી રહ્યો છે અને NPCI તથા સંબંધિત હિતધારકો દ્વારા અંતિમ સત્તાવાર જાહેરાત બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
