News of Tuesday, 3rd November 2026
રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ખુલ્લી ચર્ચા યોજાશે? વિપક્ષ નેતા દ્વારા 'X' પર પબ્લિક પોલ યોજી, ભાજપના વરિષ્ઠ નેતાઓને પીએમને મનાવવા કરાઈ ટિપ્પણી
'વિદેશી સમર્થન' અને વિપક્ષ પરના આરોપો અંગે રાહુલે ફરી ફેંક્યો જાહેરમાં ડિબેટનો પડકાર : PM નાં 'એકતા દિવસ'ના ભાષણ બાદ વાગ્બાણોથી દેશના રાજકારણમાં નવો ગરમાવો

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સામે 'વિદેશી સમર્થન' અને વિપક્ષ પર મુકાયેલા ગંભીર આરોપોના મુદ્દે ખુલ્લી ચર્ચા (ઓપન ડિબેટ) કરવાના પોતાના પડકારને વધુ આક્રમક બનાવ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક જાહેર સર્વેક્ષણ (પબ્લિક પોલ) યોજીને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે.
'એક્સ' પર પોલ યોજી ભાજપના વરિષ્ઠ નેતાઓને કરી અપીલ:
રાહુલ ગાંધીએ એક્સ પર સવાલ પૂછ્યો હતો કે, "શું તમે રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્રભાઈ મોદી વચ્ચે ખુલ્લી ચર્ચા જોવા માંગો છો?" આ પોલમાં "હા, મોદીજી ડરશો નહીં" અને "ના, મોદીજી ડરી ગયા" જેવા વિકલ્પો આપવાની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને સંબોધીને લખ્યું હતું કે, "રાજનાથ સિંહ જી, નિતિન ગડકરી જી, શિવરાજ સિંહ ચૌહાણ જી, યોગી આદિત્યનાથ જી, તમે હંમેશાં પ્રધાનમંત્રીનું હિત ઈચ્છો છો, તો કૃપા કરીને તેમને આ ડિબેટમાં આવવા માટે મનાવો."
૨૪ કલાક બાદ વીડિયો જાહેર કરી ફેંક્યો સરેઆમ પડકાર:
રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ ડિબેટનો પ્રથમ પડકાર ફેંક્યાના ૨૪ કલાક બાદ એક વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે, "૨૪ કલાક વીતી ગયા છે, મોદીજી. મેં તમને ખુલ્લી ચર્ચાનો પડકાર આપ્યો હતો. તમે વિપક્ષને દેશવિરોધી કહો છો, તો કોઈપણ સ્ટેજ કે સ્થળ પસંદ કરો અને મારી સાથે ચર્ચા કરો. દેશવિરોધી કોણ છે? વિદેશી તાકાતો સાથે કોના સંબંધો છે અને કેવા સંબંધો છે? ડર્યા વિના શક્ય તેટલી વહેલી તકે ચર્ચા માટે આગળ આવો."
'એકતા દિવસ'ના ભાષણથી શરૂ થયો સમગ્ર વિવાદ:
આ સમગ્ર રાજકીય ઘર્ષણની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'એકતા દિવસ' પર આપેલા ભાષણ બાદ થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "દુર્ભાગ્યવશ આજે દેશમાં વિપક્ષ (વિરોધ પક્ષ) ને બદલે 'અવરોધ પક્ષ' બની ગયો છે. નિરાશામાં ડૂબેલા આ લોકો દેશના વિકાસમાં રોડા અટકાવી રહ્યા છે." પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કોઈનું નામ લીધા વિના ઉમેર્યું હતું કે કેટલાક લોકો વિદેશમાં જઈને ગુપ્ત રીતે કોને મળે છે, દેશવિરોધી તાકાતો કોનું સમર્થન કરી રહી છે અને ભારતની છબી ખરાબ કરવા સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે તે પેટર્નને દેશવાસીઓએ ઓળખવી પડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિદેશી કારસા અને અવરોધક નીતિઓના આરોપો સામે રાહુલ ગાંધીએ આકરો પલટવાર કરીને ખુલ્લી ચર્ચાની માંગણી દોહરાવી છે.
Youth of India,
— Rahul Gandhi (@RahulGandhi) November 3, 2026
Do you want to see a Rahul Gandhi vs Narendra Modi open debate?@rajnathsingh ji, @nitin_gadkari ji, @ChouhanShivraj ji, @myogiadityanath ji - you always have the PM’s best interest in mind, please convince him to come.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
