<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

અંતરિક્ષમાં બદલાશે વ્હિસ્કીનો સ્વાદ અને સુગંધ? 2028માં લોન્ચ થનારા 'સ્પેસ પફિન' મિશનથી થશે નવો વિજ્ઞાન વિસ્ફોટ

અંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર મોકલાશે ખાસ ક્યુબસેટ ઉપગ્રહ, પાંચ વર્ષ સુધી ચાલનારા વિશિષ્ટ સંશોધનથી ઓર્બિટલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી દિશા મળવાની શક્યતા

ગ્લાસગો:  અંતરિક્ષના અનોખા વાતાવરણ અને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં વ્હિસ્કીની એજિંગ પ્રક્રિયા પર થતી અસરોનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2028માં એક ખાસ 'સ્પેસ પફિન' મિશન શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ મિશન હેઠળ એક નાનો ક્યુબસેટ ઉપગ્રહ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવશે અને ત્યારબાદ તેને જાપાની મોડ્યુલની મદદથી પૃથ્વીની કક્ષામાં છોડવામાં આવશે, જેમાં વ્હિસ્કી અને તેના મૂળભૂત ઘટકોના નાના નમૂનાઓ રાખવામાં આવશે.

આગામી પાંચ વર્ષ સુધી ચાલનારા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વ્હિસ્કીને પીવા માટે તૈયાર કરવાનો કે વેચવાનો નથી, પરંતુ તાપમાનના મોટા ફેરફારો વચ્ચે તેના રાસાયણિક બંધારણમાં થતા બદલાવને સમજવાનો છે. સ્કોચ વ્હિસ્કી સામાન્ય રીતે જવ, પાણી અને યીસ્ટની મદદથી બનાવી લાકડાના પીપાંમાં વર્ષો સુધી રાખીને એજિંગ કરવામાં આવે છે. દર 90 મિનિટે પૃથ્વીનું એક ચક્કર લગાવતા આ ઉપગ્રહ પર ગરમી અને ઠંડીની વારંવાર થતી અસરથી વ્હિસ્કીના રંગ, સુગંધ અને સ્વાદ સાથે સંબંધિત ઘટકોમાં કેવા ફેરફાર થાય છે તેનું માપન કરી તે ડેટા પૃથ્વી પર મોકલવામાં આવશે.

આ અગાઉ પણ સ્કોચ વ્હિસ્કીના એજિંગ વગરના મિશ્રણ અને ઓક લાકડાના નમૂનાઓને બે વર્ષ માટે ISS પર મોકલીને ઓછા ગુરુત્વાકર્ષણની અસર ચકાસવામાં આવી હતી, પરંતુ આ વખતનું મિશન કક્ષામાં થતા તાપમાનના તીવ્ર ફેરફારો પર આધારિત હોવાથી અલગ છે. જોકે, આ ઉપગ્રહ પૃથ્વી પર પાછો લાવવામાં આવશે નહીં, તેથી અંતરિક્ષમાં તૈયાર થયેલી આ વ્હિસ્કી કોઈ પી શકશે નહીં. ગ્લાસગો યુનિવર્સિટીના ડૉ. ગિલ્સ બેલેટના જણાવ્યા અનુસાર, સ્પેસ પફિન મિશનથી મળેલા ડેટાની સરખામણી પૃથ્વી પરના સમાન નમૂનાઓ સાથે કરવામાં આવશે.

આ સંશોધનનો લાભ માત્ર વ્હિસ્કી પૂરતો મર્યાદિત ન રહેતાં ભવિષ્યમાં ઓર્બિટલ મેન્યુફેક્ચરિંગની નવી શક્યતાઓ ખોલશે, જેનાથી પૃથ્વી પર બનાવવામાં મુશ્કેલ હોય તેવા જટિલ અણુઓ અને દવાઓનું ઉત્પાદન અંતરિક્ષમાં કરવું શક્ય બનશે. હાલમાં વ્હિસ્કીને પૃથ્વી પર પાછી લાવવા માટે અલગ રીકવરી સિસ્ટમ અને મોટો ખર્ચ જરૂરી હોવાથી તે માત્ર ભવિષ્યની સંભાવના છે, પરંતુ 2028ના લોન્ચિંગ બાદ જ મળનારા વિજ્ઞાનિક ડેટા પરથી આગળના સંશોધનની દિશા નક્કી કરવામાં આવશે.

(12:45 PM IST)