News of Wednesday, 25th November 2026
૬ મહિનામાં મિલકતના ભાવ વધશે કે ઘટશે ? ઘર ખરીદવા માટે રાહ જોવી કે અત્યારે જ નિર્ણય લેવો?
ઘર ખરીદવાનું વિચારો છો?આગામી છ મહિનામાં મિલકતના ભાવ મોટા પ્રમાણમાં ઘટી જાય તેવી શક્યતા ઓછી

નવી દિલ્હી તા.૨૫: જો તમે પોતાનું સપનાનું ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા મનમાં એક સવાલ ચોક્કસ હશે કે અત્યારે ઘર ખરીદવું યોગ્ય છે કે થોડા મહિના રાહ જોવી જોઈએ? આગામી સમયમાં પ્રોપર્ટીના ભાવ વધશે કે પછી તેમાં ઘટાડો જોવા મળશે? આ સવાલનો જવાબ મેળવવા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રની નવીનતમ સ્થિતિ સમજવી જરૂરી છે. નિષ્ણાતો મુજબ, ભારતીય પ્રોપર્ટી માર્કેટમાં ફરીથી આશાવાદ જોવા મળી રહ્યો છે. આગામી છ મહિનામાં મિલકતના ભાવ મોટા પ્રમાણમાં ઘટી જાય તેવી શક્યતા ઓછી હોવાનું સર્વેના પરિણામો સૂચવે છે. મોટાભાગના બજાર સહભાગીઓના મતે ભાવ સ્થિર રહી શકે છે અથવા તેમાં વધારો થઈ શકે છે.
રિપોર્ટમાં સામેલ સર્વે અનુસાર, લગભગ ૮૪ ટકા બજાર સહભાગીઓનું માનવું છે કે આગામી છ મહિનામાં ઘરોના ભાવ સ્થિર રહેશે અથવા વધશે. તેમાંથી ૩૬ ટકા લોકોએ ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે ૪૮ ટકા લોકોના મતે ભાવ હાલના સ્તરે જ રહી શકે છે. બીજી તરફ, માત્ર ૧૬ ટકા સહભાગીઓએ ભાવમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી છે. આ આંકડા દર્શાવે છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં બજારને લઈને વિશ્વાસ વધી રહ્યો છે. જોકે, આ સર્વે આધારિત અંદાજ છે, મિલકતના ભાવ વધવાની કોઈ ખાતરી નથી.
ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે આગામી છ મહિના દરમિયાન નવા વિકલ્પો ઉપલબ્ધ થવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સ શરૂ થવાની અપેક્ષા રાખનારા બજાર સહભાગીઓનો હિસ્સો અગાઉના ક્વાર્ટરના ૨૧ ટકાથી વધીને ૪૨ ટકા થયો છે. એટલું જ નહીં, આગામી સમયમાં ઘરના વેચાણમાં વધારો થવાની આશા રાખનારા લોકોનો હિસ્સો પણ ૧૭ ટકાથી વધીને ૩૮ ટકા થયો છે. આ આંકડા દર્શાવે છે કે ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના અન્ય નિષ્ણાતો બજારમાં માંગ સુધરવાની અપેક્ષા રાખી રહ્યા છે.
જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન દેશનાં આઠ મુખ્ય શહેરોમાં કુલ ૮૬,૭૬૭ ઘરોનું વેચાણ થયું હતું. આ વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૧ ટકા ઓછું હતું. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન ૯૨,૫૪૯ નવા રહેણાંક યુનિટ્સ બજારમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે ૪ ટકા વધારે છે. આ સાથે બજારમાં વેચાયા વગરના ઘરોની સંખ્યા વધીને ૫,૩૧,૪૮૦ યુનિટ્સ થઈ ગઈ હતી. આ આંકડા દર્શાવે છે કે નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, પરંતુ વેચાણની ગતિમાં હજુ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. એટલે કે બજારમાં એક તરફ નવા વિકલ્પો વધી રહ્યા છે, તો બીજી તરફ ખરીદદારોની વાસ્તવિક માંગ પર પણ નજર રાખવી જરૂરી છે.
સતત બે ક્વાર્ટર સુધી નબળા રહેલા રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં હવે સુધારો જોવા મળ્યો છે. વર્તમાન સેન્ટિમેન્ટ સ્કોર અગાઉના ૪૮થી વધીને ૫૬ થયો છે. તેવી જ રીતે, આગામી છ મહિનાની સ્થિતિ દર્શાવતો ફયુચર સેન્ટિમેન્ટ સ્કોર ૫૦થી વધીને ૫૮ થયો છે. આ ઇન્ડેક્સમાં ૫૦નો સ્કોર તટસ્થ સ્થિતિ દર્શાવે છે, જ્યારે ૫૦થી વધુનો સ્કોર સકારાત્મક માહોલનો સંકેત આપે છે. આ સુધારો દર્શાવે છે કે ડેવલપર્સ, બેંકો અને નાણાકીય સંસ્થાઓનો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ ફરી વધી રહ્યો છે.
ડેવલપર્સનો આત્મવિશ્વાસ ફરી એક વર્ષ પહેલાંના સ્તરે પહોંચ્યો છે. જોકે, બાંધકામ સામગ્રીના વધતા ભાવ અને ઉધાર લેવાના ખર્ચને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેક્ટ્સની યોજના સાવચેતીપૂર્વક બનાવવી જરૂરી છે. સમયસર સરકારી મંજૂરીઓ અને માગ પ્રમાણે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા પણ મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ, દેશની મજબૂત આર્થિક વૃદ્ધિએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ટેકો આપ્યો છે. જોકે, મોંઘા ઇંધણના ભાવ, મોંઘવારી અને કડક નાણાકીય સ્થિતિને કારણે આ ક્ષેત્ર સામે કેટલાક પડકારો પણ છે.
રિપોર્ટના સંકેતો પ્રમાણે, આગામી છ મહિનામાં સમગ્ર દેશમાં મિલકતના ભાવમાં મોટો ઘટાડો થવાની અપેક્ષા ઓછી છે. કેટલાક વિસ્તારોમાં ભાવ સ્થિર રહી શકે છે, જ્યારે વધુ માંગ ધરાવતા વિસ્તારોમાં વધારો પણ જોવા મળી શકે છે. જોકે, દરેક શહેર અને દરેક વિસ્તારમાં એકસરખી સ્થિતિ હોતી નથી. અમદાવાદ, મુંબઈ, દિલ્હી-ફઘ્ય્, બેંગલુરુ અને અન્ય શહેરોમાં માંગ, નવા પ્રોજેક્ટ્સ, ઉપલબ્ધ સ્ટોક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિ પ્રમાણે ભાવમાં તફાવત હોઈ શકે છે. તેથી ઘર ખરીદતાં પહેલાં માત્ર ભાવ વધશે કે ઘટશે તેના આધારે નિર્ણય લેવાને બદલે વિસ્તાર, પ્રોજેક્ટની ગુણવત્તા, RERA નોંધણી, લોનનો ખર્ચ અને પોતાની આર્થિક ક્ષમતાનું મૂલ્યાંકન કરવું વધુ યોગ્ય રહેશે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
