<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

શું પાકિસ્તાનનો નકશો બદલાઈ જશે? સેના પ્રમુખ અસીમ મુનીરના પ્લાનથી રાજકીય ગરમાવો, બલુચિસ્તાન અને સિંધના વિભાજન પર ઝરદારીનો વિરોધ!

લંડનમાં રાષ્ટ્રપતિ ઝરદારી અને ગૃહમંત્રી નકવી વચ્ચે ૯૦ મિનિટની ગુપ્ત બેઠક: પીપીપી અને પીએમએલ-એનનું વર્ચસ્વ તોડવા માટે પાકિસ્તાની સેનાનું મોટું રાજકીય કાવતરું

ઇસ્લામાબાદ | તા.૦૩: આંતરિક રાજકીય કટોકટી અને આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં હવે દેશનો ભૌગોલિક અને રાજકીય નકશો બદલવાની કવાયત તેજ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં નવા પ્રાંતોના નિર્માણ અને વિભાજનને લઈને ગંભીર અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને કેન્દ્રીય ગૃહમંત્રી મોહસીન નકવી વચ્ચે લંડનમાં ૯૦ મિનિટની અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અહેવાલો મુજબ, ગૃહમંત્રી નકવી પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરનો એક ખાસ સંદેશ લઈને લંડન પહોંચ્યા હતા. સેના દેશમાં નવા પ્રાંતો બનાવવાની પ્રક્રિયાને ત્વરિત પૂરી કરવાના પક્ષમાં છે અને રાષ્ટ્રપતિ પર તાત્કાલિક નિર્ણય લેવા દબાણ કરી રહી છે.

 

જોકે, રાષ્ટ્રપતિ ઝરદારીએ સેનાની આ યોજના સામે સખત વાંધો ઉઠાવીને સિંધ અને બલુચિસ્તાનના વિભાજનનો વિરોધ કર્યો છે. સિંધ એ ઝરદારીની પાર્ટી (PPP) નો ગઢ છે અને ત્યાં વિભાજનથી ભારે જનઆક્રોશ ફાટી નીકળે તેમ છે. બીજી તરફ, બલુચિસ્તાન પહેલાથી જ સશસ્ત્ર બળવાખોરી અને ગંભીર સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે, તેથી અત્યારે બલુચિસ્તાનને સ્પર્શ કરવાથી સુરક્ષા સ્થિતિ વધુ વણસી શકે છે. ઝરદારીએ સુઝાવ આપ્યો છે કે જો નવા પ્રાંતો બનાવવા જ હોય તો તેની શરૂઆત પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાથી કરવી જોઈએ.

 

બીજી તરફ, આ રાજકીય વિવાદ વચ્ચે ઝરદારી પીએમએલ-એન (PML-N) ના વડા નવાઝ શરીફના સતત સંપર્કમાં છે. હાલમાં જ નવાઝ શરીફ, વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે આ વિવાદિત મુદ્દે પહેલા પીપીપી પોતાનું વલણ સ્પષ્ટ કરે, ત્યારબાદ જ પીએમએલ-એન આગળનું કદમ ઉઠાવશે.

 

રાજકીય વિશ્લેષકોના મતે, પાકિસ્તાની સેના નવા પ્રાંતોની રચના કરીને પીપીપી (સિંધ) અને પીએમએલ-એન (પંજાબ) જેવા સ્થાપિત રાજકીય પક્ષોના દાયકાઓ જૂના પ્રભાવને ખતમ કરવા માગે છે. મોટા રાજ્યોને નાના વહીવટી એકમોમાં વહેંચીને સેના પોતાના કઠપૂતળી નેતાઓને સત્તા પર બેસાડવા માંગે છે. આગામી ૮ થી ૧૦ દિવસ પાકિસ્તાનના ભવિષ્ય અને નકશા બંને માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

(4:45 PM IST)