તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
બંગાળમાં 'કમળ' ખીલશે કે 'દીદી'નો દબદબો રહેશે? પાંચ મોટા એક્ઝિટ પોલના આંકડાએ રાજકીય ગરમાવો વધાર્યો
કોલકાતાથી કરાઈ મોટી આગાહી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના એક્ઝિટ પોલમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર: બહુમતીના આંકડાને લઈને એજન્સીઓના અલગ-અલગ સૂર અને ૪ મેના પરિણામ પર ટકેલી સૌની મીટ

કોલકાતા : બંગાળ વિધાનસભાની રસાકસીભરી ચૂંટણીના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ્સે રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. પાંચ મુખ્ય એક્ઝિટ પોલમાંથી ચાર એજન્સીઓ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી જોઈ રહી છે. ખાસ કરીને એબીપી ન્યૂઝ-સી વોટર અને પી-માર્ક જેવી એજન્સીઓએ ભાજપને ૧૫૦ થી ૧૭૫ બેઠકો આપીને પૂર્ણ બહુમતીનો સંકેત આપ્યો છે. આ આંકડાઓ જો સાચા ઠરશે, તો બંગાળમાં દાયકાઓ પછી સત્તાનું મોટું પરિવર્તન જોવા મળી શકે છે, જે ભાજપ માટે ઐતિહાસિક વિજય ગણાશે.
બીજી તરફ, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની ટીએમસી (TMC) હજુ પણ મેદાનમાં મક્કમ દેખાઈ રહી છે. મેટ્રિઝ અને પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ મુજબ ટીએમસી ફરી એકવાર સત્તાના સિંહાસન સુધી પહોંચી શકે છે. પીપલ્સ પલ્સે ટીએમસીને ૧૧૭ થી ૧૮૭ બેઠકો સુધીનો મોટો સ્પેક્ટ્રમ આપ્યો છે, જે દર્શાવે છે કે જમીની સ્તરે લડાઈ ખૂબ જ કઠિન છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો આ વખતે લગભગ ફેંકાઈ ગયા હોય તેવું જણાય છે, કારણ કે મોટાભાગના એક્ઝિટ પોલમાં તેમને શૂન્ય અથવા સિંગલ ડિજિટમાં બેઠકો મળી રહી છે.
બંગાળના મતદારોએ આ વખતે બે તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન કર્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં ૯૨.૮૮ ટકા જેવું જંગી મતદાન નોંધાયું હતું. આ ભારે મતદાન સત્તા વિરોધી લહેર છે કે સત્તાધારી પક્ષ પ્રત્યેનો ભરોસો, તે તો ૪ મેના રોજ જ સ્પષ્ટ થશે. હાલમાં તો એક્ઝિટ પોલના આંકડાઓએ ભાજપના છાવણીમાં ઉત્સાહ અને ટીએમસીમાં ગહન ચિંતનનો માહોલ પેદા કર્યો છે. બંગાળની જનતાનો અંતિમ ફેંસલો હવે ઈવીએમમાં કેદ છે, જેની પર આખા દેશની નજર ટકેલી છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
