તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
અમેરિકામાં વસવાનું હવે સપનું જ રહેશે? ટ્રમ્પ સરકારના નવા નિયમથી ગ્રીન કાર્ડ અને નાગરિકતા મેળવવા બનશે લોઢાના ચણા ચાવવા જેવા!
ઈઝરાયેલની ટીકા કે વિરોધ પ્રદર્શનમાં સામેલ થનારા ઈમિગ્રન્ટ્સ પર લટકતી તલવાર: માનવાધિકાર સંગઠનોમાં ભારે રોષ

વોશિંગ્ટન, તા. 28: અમેરિકામાં સ્થાયી થવા માંગતા લાખો ઈમિગ્રન્ટ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળના 'ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી' (DHS) એ એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ હવે ગ્રીન કાર્ડ કે અમેરિકન નાગરિકતા (Naturalization) મેળવવા ઈચ્છતા લોકોના ભૂતકાળના નિવેદનો અને રાજકીય વિચારોની કડક તપાસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ઈઝરાયેલની ટીકા કરી હશે અથવા પેલેસ્ટાઈન સમર્થિત પ્રદર્શનોમાં ભાગ લીધો હશે, તો તેમની અરજી નકારવામાં આવી શકે છે.
શું છે આ નવો વિવાદ?
તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકન ઈમિગ્રેશન વિભાગ (USCIS) ના અધિકારીઓને એવી તાલીમ આપવામાં આવી રહી છે કે તેઓ અરજદારોના એવા નિવેદનો પર નજર રાખે જેને સરકાર 'કટ્ટરપંથી' માને છે. આમાં અમેરિકન ધ્વજનું અપમાન કરવું, હિંસક વિચારધારાને સમર્થન આપવું અથવા ઈઝરાયેલ વિરુદ્ધ 'સ્ટોપ ઈઝરાયેલ ટેરર' જેવા સૂત્રો લખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. અધિકારીઓને સૂચના અપાઈ છે કે આવા પરિબળોને અરજીમાં 'અત્યંત નકારાત્મક' ગણવા.
અભિવ્યક્તિની આઝાદી પર તરાપ?
આ નિર્ણયથી અમેરિકામાં વસતા ઈમિગ્રન્ટ્સ અને માનવાધિકાર કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. ડેમોક્રેટિક સેનેટર ક્રિસ વેન હોલેને આકરા પ્રહાર કરતા પૂછ્યું હતું કે, "કોઈ વિદેશી સરકારની ટીકા કરવી એ ક્યારથી 'એન્ટી-અમેરિકન' બની ગયું?" નાગરિક સ્વતંત્રતા જૂથોનું કહેવું છે કે આ સીધો ફર્સ્ટ એમેન્ડમેન્ટ (અભિવ્યક્તિની આઝાદી) પર હુમલો છે. સરકાર હવે એ નક્કી કરશે કે કયા રાજકીય વિચારો ધરાવતી વ્યક્તિ દેશમાં રહી શકે અને કયા નહીં.
વિદ્યાર્થીઓ અને કાર્યકરો નિશાના પર
ટ્રમ્પ સરકારના આ કડક વલણનો ભોગ કેટલાક લોકો બની પણ રહ્યા છે. દાખલા તરીકે, ટફ્ટ્સ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ રુમેસા ઓઝતુર્કને માત્ર એટલા માટે દેશનિકાલ કરવાની કાર્યવાહીનો સામેલ થવું પડ્યું કારણ કે તેણે વિદ્યાર્થી અખબારમાં ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ પર લેખ લખ્યો હતો.
ટ્રમ્પનું માનવું છે કે પેલેસ્ટાઈન તરફી આંદોલનો યહૂદી વિરોધી (Antisemitism) છે અને તે કટ્ટરવાદને પ્રોત્સાહન આપે છે. જોકે, અનેક યહૂદી સંગઠનો પણ આ વાતનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીની ટીકા કરવી એ યહૂદી વિરોધ નથી. ટૂંકમાં, હવે અમેરિકામાં રહેવું હોય તો જીભ પર લગામ અને સોશિયલ મીડિયા પર સાવધાની રાખવી અનિવાર્ય બની ગઈ છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
