<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

શું ખાન સરની ધરપકડ થશે? પટનામાં બોડીગાર્ડ્સના બેફામ ગોળીબાર બાદ ઘેરાઈ પ્રખ્યાત યુટ્યુબર શિક્ષકની મુશ્કેલીઓ

કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર થયેલા ફાયરિંગ કેસમાં બંને ગાર્ડે ગુનો કબૂલ્યો : પટના પોલીસ તપાસ માટે ખાન સરની એકેડેમીએ પહોંચી

પટના: બિહારના પાટનગર પટનાથી એક સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેણે સોશિયલ મીડિયાથી લઈને શિક્ષણ જગત સુધી ખળભળાટ મચાવી દીધો છે. દેશભરમાં પ્રખ્યાત અને લાખો વિદ્યાર્થીઓના ચહીતા યુટ્યુબ શિક્ષક 'ખાન સર' (ફૈઝલ ખાન) ફરી એકવાર કાનૂની વિવાદોના કટોકટોના કેન્દ્રમાં આવી ગયા છે. તેમની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર તેમના જ અંગત બોડીગાર્ડ્સ દ્વારા કરવામાં આવેલા કથિત ફાયરિંગના મામલાએ હવે ગંભીર વળાંક લીધો છે. પટના પોલીસે આ મામલે મોટી અને કડક કાર્યવાહી કરીને ખાન સરના બંને સુરક્ષા ગાર્ડની ધરપકડ કરી લીધી છે, જેના કારણે હવે કાયદાનો સિંજો ખાન સર તરફ પણ કસાતો જોવા મળી રહ્યો છે.

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા બંને બોડીગાર્ડ્સની ઓળખ પ્રદીપ અને તલેશ્વર તરીકે થઈ છે. પોલીસ કસ્ટડીમાં કડક પૂછપરછ દરમિયાન આ બંને ગાર્ડ્સે જાહેરમાં ગોળીબાર કર્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી લીધી છે. ગાર્ડ્સની આ કબૂલાત બાદ ખાન સર માટે કાનૂની સંકટ ઘણું વધી ગયું છે. આ ઘટના પાછળ કોનો ઈશારો હતો અને હથિયારોનો દુરુપયોગ કયા સંજોગોમાં કરવામાં આવ્યો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાની કબૂલાતના પગલે પટના પોલીસ દ્વારા હવે ખાન સરની પણ સત્તાવાર ધરપકડ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ વર્તાઈ રહી છે.

આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતાં પટના પોલીસે તપાસનો વ્યાપ રાતોરાત વધારી દીધો છે. પોલીસની એક ખાસ ટીમ ખાન સરની પટના સ્થિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધસી ગઈ છે અને ત્યાં હાજર સ્ટાફ તેમજ અન્ય પ્રત્યક્ષદર્શીઓની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી નથી, પરંતુ તપાસ એજન્સીઓ દરેક પાસાને ખૂબ જ બારીકાઈથી ચકાસી રહી છે. પટના પોલીસ ગમે તે ક્ષણે ખાન સરને સમન્સ પાઠવીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી શકે છે અથવા તેમની અટકાયત કરી શકે છે, જેને પગલે પટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(6:18 PM IST)